કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની કવાયત - આજે અમદાવાદની ૧૬ બેઠકોની ચર્ચાઓ થશે

શુક્રવાર, 19 મે 2017 (15:03 IST)
વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રાજકીય હિસાબ પતાવવા મેદાને પડયાં છે જેના લીધે પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચી રહ્યુ છે જેની હાઇકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે. ગુજરાત કોંગ્રસની વર્તમાન રાજકીય પરિસ્થિતીને થાળે પાડવા કવાયત હાથ ધરાઇ છે. આગામી ૨૪મીએ પ્રદેશ પ્રભારી ૨૪મી મે એ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના મામલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે ખેંચતાણ જામી છે.
 આ આરપારની લડાઇ એટલી હદે પહોંચી છેકે, શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડવા સુધ્ધાંની તૈયારીઓ કરી લીધી છે. આ જોતા ગુજરાત કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ માટે જ પ્રભારી અશોક ગેહલોત ગુજરાત આવી રહ્યા છે . તેઓ ૨૪મીએ પ્રદેશ કોંગ્રેસ સમિતીએ વિધાનસભા-જિલ્લા નિરીક્ષકો સાથે બેઠક યોજશે. બીજા દિવસે સંગઠનના હોદ્દેદારો ,વિવિધ સેલના સભ્યો, એનએસયુઆઇ , યુથ કોંગ્રેસના સભ્યો સાથે પણ બેઠક યોજીને ચૂંટણીલક્ષી ચર્ચા કરશે. ગેહલોત પ્રદેશના નેતાઓ સાથે પણ બેઠક યોજનાર છે. તેઓ ડેમેજ કંટ્રોલરની ભૂમિકા ભજવીને નેતાઓનો મનમેળ સાધવાના પ્રયાસો કરશે. શુક્રવારે સહપ્રભારી વર્ષા ગાયકવાડ અમદાવાદમાં ભદ્ર સ્થિત કોંગ્રેસના કાર્યાલયમાં સંભવિત ઉમેદવારોને મળશે. અમદાવાદની ૧૬ બેઠકો માટે તેઓ દાવેદારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે .

વેબદુનિયા પર વાંચો