શું આનંદીબેનને રાજ્યસભામાં લઈ જવાની તૈયારી,ગુજરાતમાંથી સ્‍મૃતિ ઇરાનીને રીપીટ કરાશે

શુક્રવાર, 12 મે 2017 (15:28 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન વિશે અનેક તર્ક વિતર્કો પ્રકાશમાં આવતા રહે છે. તાજેતરમાં ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ ટ્વિટ કરીને આનંદીબેનને રાષ્ટ્રપતિ માટે યોગ્ય ઉમેદવાર માન્યા હતાં, તે ઉપરાંત તેમને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવવામાં આવશે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું પણ હવે એક નવી વાત વહેતી થઈ છે. આનંદીબેનને હવે રાજ્યસભામાં પ્રવેશ આપવાની તૈયારીઓ ચાલુ થઈ હોવાનું ભાજપના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. 

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ ગઇકાલે એક દિવસની મુલાકાત માટે અમદાવાદ ગયા હતા. જયાં તેમણે મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જીતુ વાઘાણી અને અન્‍ય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો યોજી હતી. જેમાં રાજયસભાની ચૂંટણીમાં કોને ઉમેદવાર તરીકે મુકવા એ અંગે ચર્ચા-વિચારણા થઇ હતી. અંતે રાજયસભામાં એક સીનીયર નેતાને મોકલવા નિર્ણય લેવાયો હતો. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે અમિત શાહ અને અન્‍ય નેતાઓએ ઓગષ્‍ટમાં યોજાનારી રાજયસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી એક સીનીયર નેતાની ઉમેદવારી નોંધાવવા નિર્ણય લીધો હતો. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે પક્ષે ગુજરાતમાંથી સ્‍મૃતિ ઇરાનીને રીપીટ કરવા નિર્ણય લીધો હતો. જયારે દિલીપ પંડયા કે જેમની ટર્મ પુરી થાય છે તેમની જગ્‍યાએ ગુજરાતમાંથી કોઇ સીનીયર નેતાની પસંદગી કરવામાં આવશે. એવી શકયતા છે કે આનંદીબેન પટેલને દિલીપ પંડયાની જગ્‍યાએ રાજયસભામાં મોકલવામાં આવશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે અમિત શાહે નેતાઓ સાથેની બેઠકમાં તાજેતરની ઘટનાઓ અંગે ચર્ચાઓ કરી હતી અને બધા નેતાને જણાવ્‍યુ હતુ કે, વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને પોતાનો રેકોર્ડ ચોખ્‍ખો રાખે. પક્ષના નેતાઓએ એવા કોંગ્રેસના નેતાઓની યાદી પણ સોંપી હતી જેઓ ભાજપમાં આવી શકે છે. આવા ૩૦ કોંગ્રેસી નેતાઓ છે.

વેબદુનિયા પર વાંચો