સૈફી હોસ્પિટલ ગુજરાતનાં ત્રણ મેદસ્વી બાળકોનું વજન ઉતારી શકશે?
શુક્રવાર, 12 મે 2017 (15:20 IST)
ગુજરાતના ત્રણ મેદસ્વી ભાઈ-બહેનનાં બ્લડ ટેસ્ટ સૈફી હોસ્પિટલમાં કરવામાં આવ્યાં છે. આ બાળકોના પિતાએ ઇમાન અહેમદના કેસ વિશે વાચ્યું ત્યારબાદ તેમને સૈફી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. આ બાળકોના પિતા રોજિંદી મજૂરી કરીને દૈનિક ૧૫૦ રૂપિયા કમાય છે અને તેમને ૨૦૧૫માં પોતાના બાળકોને ભોજન કરાવવા કિડની વેચવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની આ સમસ્યા લોકોના ધ્યાને આવી હતી. ગુજરાતના ઉના તાલુકાના આ ત્રણ મેદસ્વી બાળકો પૈકીની સાત વર્ષની યોગિતાનું વજન ૪૫ કિલો, તેની પાંચ વર્ષની બહેન અનિશાનું વજન ૬૮ કિલો અને ત્રણ વર્ષના ભાઈ હર્ષનું વજન ૨૫ કિલો છે. લેફ્ટિન રિસેપ્ટર પ્રોટીન નામના જિન્સમાં પરિવર્તનના કારણે આ બાળકો સખત મેદસ્વિતાનો ભોગ બન્યાં છે. આ બાળકો આનુવંશિક ખામીનો ભોગ બન્યા હોવાના કારણે તેમના માટે બેરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ ઉપલબ્ધ નથી. MC4R એગોનિષ્ટ નામની પ્રયોગાત્મક દવા તેમના માટે એક માત્ર આશા છે. આ દવા માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ છે. આ ત્રણ ભાઈ-બહેનનાં તેમનાં બ્લડ સેમ્પલ લેવા માટે ૪ મેના રોજ સૈફી હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. ડો. મુફઝ્ઝલ લાકડાવાલાના સુપરવિઝન હેઠળ તેમનાં બ્લડ ટેસ્ટ કરીને ૬ મેના રોજ આ બાળકોને પાછા ગુજરાત મોકલી દેવાયાં હતાં. હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે બાળકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે પરંતુ તેનાં પરિણામ માટે બે-ત્રણ મહિના રાહ જોવી પડશે. દર્દીઅોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વધુ વિગત મળી શકશે નહીં. આ ત્રણ ભાઈ-બહેનની સૌથી પહેલા સારવાર કરી ચૂકેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડીન ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે આ બાળકો આનુવંશિક ખામીથી પીડાય છે. તેની સારવાર માટે કેમ્બ્રિજ અને બેલ્લોર હોસ્પિટલ સાથે જોડાણ કર્યું હતું. તેમને સ્પેશિયલ ડાયટ પર રાખવામાં આવ્યાં હતાં અને તેમનાં વજનમાં એક હજાર ગ્રામનો ઘટાડો થયો હતો. જો કે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ તેમનો પરિવાર અમારા સંપર્કમાં ન હતો.