લ્યો બોલો! ગુજરાતના આ ગામમાં ચુડેલમાતા પૂરી કરે છે ભક્તોની મનોકામના
સોમવાર, 8 મે 2017 (12:56 IST)
અમદાવાદથી 50 કીમી દૂર આવેલા લીંબાસી ગામમાં એક મંદિર છે જ્યાં ચુડેલની માનતા રાખવામાં આવે છે અને આ જગ્યા પર મોટા પ્રમાણમાં લોકો પોતાની ફરિયાદો અને ઈચ્છો સંતોષાય તે માટે જાય છે. ખાસ કરીને મંગળવાર તથા રવિવારના દિવસે અહીં ભક્તો ધસારો મોટા પ્રમાણમાં રહે છે. અહીં આશરે 10 હજારથી વધારે સાડીઓ લટકેલી જોવા મળે છે.અહીં લોકો સંતાનપ્રાપ્તિ તથા લગ્ન વિષયક માનતાઓ લઈને આવતા હોય છે. . આ સ્થળ છેલ્લા 5-6 વર્ષમાં જ અસ્તિત્વમાં આવ્યું છે અને 2 વર્ષથી લોકોમાં તેનો મહિમા ખૂબ વધી રહ્યો છે.
અહીં આજુબાજુના ગામના હજારો શ્રદ્ધાળુંઓ પોતાની માનતાઓ લઈને આવતા હોય છે.મંદિરના નામે અહીં એક નાનકડી દેરી જ છે પરંતુ રોડ પરથી પસાર થતી વખતે વૃક્ષો પર બાંધેલી હરોળબંધ સાડીઓ તમને આ સ્થળનું સરનામું જાતે જ આપી દે છે અને લોકોમાં તેનો કેટલો વ્યાપ છે તેનો પણ તમને અંદાજો આવી જ જાય છે.માનતા પૂરી થયા બાદ દરેક શ્રદ્ધાળુ અહીં ચૂડેલમાતાને સાડી-ચુંદડી ભેટ ચડાવે છે. આજે અહીં સાડી-ચુંદડીઓનું પ્રમાણ એટલું વધી ગયું છે કે, મંદિરની આજુબાજુ 1 કિમી સુધીના ગાળામાં આવેલા બધા વૃક્ષો પર સાડી-ચુંદડીઓ જોવા મળે છે. અહીં આશરે 10 હાજરથી પણ વધુ સાડીઓ બાંધેલી જોવા મળે છે.ભક્તિ અને શ્રદ્ધાને એકબાજુએ રાખીએ તો પણ આ સ્થળ ત્યાંથી પસાર થતા લોકો માટે ધ્યાનાકર્ષક બની ગયું છે. રોડને અડીને જ આવેલી આ દેરીની આજુબાજુ ચુંદડી-સાડીઓ લટકેલી જોઈને ઘણા લોકો અહીં તસવીરો ખેંચવા તથા થોડીવાર તેને જોવા માટે થોભી જતા હોય છે.