રાજ્યના દરિયા કિનારાને બચાવવા કચ્છ માંડવીથી કોંગ્રેસનું બોટયાત્રા અભિયાન
શનિવાર, 29 એપ્રિલ 2017 (14:08 IST)
રાજ્યના દરિયાકિનારાને બચાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ 3 મેથી ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’ કાઢશે, તેમ વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકારે કોંગ્રેસના શાસનમાં માછીમારોને અપાયેલા લાભ અને યોજનાઓ છીનવી લીધા છે. પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં કચ્છ-માંડવીથી યાત્રાનો આરંભ થશે. 12 મેએ વલસાડના ઉમરગામ ખાતે પૂર્ણાહુતિ થશે. ઉમરગામમાં જનસભાને રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ સંબોધશે. યાત્રાના રૂટ પર 30 જેટલી જનસભા યોજાશે. મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે માછીમારોને મશીનવાળી બોટ ખરીદવા લોન, સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ, માસિક 250 લિટર કેરોસીનનો ક્વોટા અપાતો હતો તે ભાજપ સરકારે બંધ કરી દીધો છે. પાકિસ્તાન બોટ ઝડપી લે તો નવી બોટ બનાવવા રૂ. 20 લાખ, પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને દૈનિક ભથ્થા સહિત રૂ. બે લાખનું વળતર આપવામાં આવતું હતું તે ભાજપ સરકારે બંધ કર્યું છે.