દક્ષિણ ગુજરાતના CNG પંપ ધારકો વહેલી સવારથી હડતાળ પર ઉતર્યાં
સોમવાર, 24 એપ્રિલ 2017 (12:59 IST)
દક્ષિણ ગુજરાત ખાતે લાંબા સમયથી પડતર માગણી નો ઉકેલ ન આવ્યો હોય દક્ષિણ ગુજરાતના સીએનજી પંપધારકો દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ આજે બંધ રાખવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં 50 જેટલા સીએનજી પંપ ધારકો આજે હડતાળ પાડી પંપ બંધ રાખ્યા છે.
છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂ 1.25થી વધારવાની માંગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માંગ નહીં સંતોષતા ફરી વાર આજે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિ.ની ફ્રેન્ચાઈઝી ધરાવતા પંપ ધારકોની મિટિંગ મળી હતી , જેમાં કંપની દ્વારા પંપ ધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી. જો કે આ બેઠક પડી ભાંગી હતી, પડતર માગણી ના ઉકેલ લાવવામાં કરવામાં આવતા વિલંબ સામે પંપ ધારકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. જેથી ૨૪મી એપ્રિલના રોજ એક દિવસની પ્રતીક હડતાળ પાડવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. હડતાળ બાદ પણ જો કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળે તો તા. ૧ મેથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી પણ આ તબક્કે પંપ ધારકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.