પોરબંદરના દરિયામાં પાટીયું તૂટતા બોટ ડૂબી ગઈ, જીવ બચાવવા ખલાસીઓ દરિયામાં 3 કલાક તર્યા

શુક્રવાર, 14 એપ્રિલ 2017 (13:43 IST)
પોરબંદરની બોટ માછીમારી કરવા દુર દરિયામાં જતી હોય છે  જેમાં બોટ ડુબી જવાની ઘટના પણ બનતી હોય છે.  પોરબંદરની સંજયરાજ નામની બોટ પોરબંદરના દરીયાકાંઠા વિસ્તારમાં માછીમારી કરી રહી હતી તે દરમ્યાન બોટનુ પાટીયું તુટી ગયુ હતુ અને બોટમાં પાણી ભરવાનુ શરુ થઇ ગયુ હતુ. આ બોટમાં રહેલા ચાર માછીમારો ભયભીત બની ગયા હતા. અંતે બોટ ડૂબવાની પરિસ્થિતીમાં હતી એ દરમિયાન એક ખલાસીએ બોટ એસોસીએશનને જાણ કરી હતી તો બીજી તરફ જીવ બચાવવા માટે આ બોટના ખલાસી કાનજી બાવા લોઢારી તથા તેમના બે પુત્રો નરસી તેમજ પ્રફૂલ ઉપરાંત સાકર સોમજી ડાયા બોયા બાંધીને દરિયામાં ખાબક્યા હતા.

સાંજના 6 થી રાત્રીના 9 વાગ્યા સુધી તેઓએ લોઢ જેવા ઉછળતા મોજા સાથે બાથ ભીડીને મોતને મહાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ દરમિયાન પોલીસે જયભવાની બોટનો સંપર્ક સાધતા તેમના ટંડેલ રાજેશ પુંજા ચાવડા સહિતના માચ્છીમારો મદદે પહોંચી ગયા હતા અને દોરડા વડે રેસક્યુ ઓપરેશન હાથ ધરીને આ 4 ખલાસીના જીવ બચાવી લીધા હતા. એસ.ઓ.જી. ના પી.આઈ. એમ.જે. બડમલીયા તેમજ મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. ભરવાડ સહિતના સ્ટાફે પણ આ ચાર માચ્છીમારોના જીવ બચાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને મરીન પોલીસની પેટ્રોલીંગ બોટ પણ મદદે મોકલી હતી. આ રીતે 4 ખલાસીઓના જીવ બચાવવામાં પોલીસે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી.

વેબદુનિયા પર વાંચો