પ્રાણીઓને હીટ વેવથી બચાવવા અમદાવાદના કાંકરિયા ઝૂમાં જમ્બો એરકૂલર મુકાયાં

ગુરુવાર, 13 એપ્રિલ 2017 (13:04 IST)
ઉનાળાની કાળઝાળ ગરમી સામે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સિંહ, વાઘ, હાથી જેવાં પ્રાણીઓનાં રક્ષણ માટે તંત્ર સજ્જ થયું છે. આ પ્રાણીઓને ઠંડક અપાવવા કુલ રપ જમ્બો કૂલરની વ્યવસ્થા કરાશે. જે પૈકી ર૦ જમ્બો કૂલર ગોઠવાઇ ગયાં છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, વાઘ, દીપડા, હરણ, રીંછ, હાથી, હિપોપોટેમસ, શાહૂડી, વાંદરાં, શિયાળ, ઝરખ સહિત કુલ ૧૭૦ પ્રાણીઓ છે. વિવિધ પ્રકારનાં ૧૬૦૦ પક્ષીઓ તેમજ સરિસૃપ વર્ગના ર૦૦ નાના મોટા સાપ, અજગર, મગર પણ મુલાકાતીઓને આકર્ષી રહ્યા છે. પક્ષીઓ સામાન્ય રીતે હીટસ્ટ્રોકના શિકાર બનતા નથી. પરંતુ ઉંમરલાયક પ્રાણીઓમાં હીટસ્ટ્રોકનો ખતરો વધુ હોય છે.

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.આર.કે. સાહુ કહે છે, ‘પ્રાણીઓને ઠંડક આપવાના આશયથી સિંહ, દીપડાનાં પાંજરાંમાં છ, વાઘનાં પાંજરાંમાં બે, રીંછનાં પાંજરાંમાં એક ,હાથીનાં પાંજરાંમાં એક અને નિકોબાર કબૂતરનાં પાંજરાંમાં ત્રણ એમ અત્યાર સુધીમાં વીસ જમ્બો કૂલર ગોઠવાઇ ગયાં છે. કુલ રપ જમ્બો કૂલર ગોઠવાશે. સાપ ઘરમાં કુલ પ૦ સાપ માટે છ ઇનબિલ્ટ કૂલરની વ્યવસ્થા છે.
પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓ માટે પાંચ વોટર કૂલર, બાલવાટિકા, અને બટરફલાય પાર્કમાં એક-એક અને લેકફ્રન્ટમાં ચાર વોટરકૂલર મુકાયાં છે. પક્ષીઓનાં પાંજરાંમાં સૂર્યપ્રકાશ સીધો આવતો રોકવા ઉપરથી ગ્રીન નેટ લગાડાઇ છે. પહેલાં ખસખસની નેટ, તેની ઉપર ગ્રીન નેટ અને પાણીનાં છંટકાવથી પ્રાણી, પક્ષીઓને ભીષણ ગરમીમાં રાહત અપાઇ રહી છે. પ્રાણીઓનાં મોં પર પાણીના ફુવારાથી છંટકાવ કરાય છે. વૃક્ષો પર પણ પાણી છંટાઇ રહ્યું છે. નર્સરીના છોડ લગાવાઇ રહ્યા છે. આ પ્રકારના ઉપાયોથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગરમીનો પારો શહેરના અન્ય વિસ્તારો કરતાં હંમેશાં બેથી પાંચ ડિગ્રી ઓછો રહેતો હોવાનો તંત્રનો દાવો છે.

વેબદુનિયા પર વાંચો