ચૈત્રી પૂનમે ચોટીલામાં 8 વર્ષના દિકરો દાનમાં અપાયો
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (12:46 IST)
ચોટીલા ઠાંગા પંથકમાં અનેક ધાર્મિક જગ્યાઓ પાછળ અતીતનો ઈતિહાસ ધરબાયેલો છે. ઠાંગા પંથકના સોનગઢ પાસેની ગુરૂ ગેબીનાથની ગુરૂ પરંપરા હેઠળ આવતી નાની મોલડી પાસેની ભગત આપા રતાની જગ્યાએ ભગવાન દ્વારકાધીશ એ દ્વારકાથી આવીને આપા રતાને રૂબરૂ મળી દર્શન આપીને પરચા આપ્યાની લોક વાયકા છે. ઠાંગાની દેહણ જગ્યાઓ પૈકીની નાની મોલડીની આ જગ્યામાં ચૈત્રી પુનમને બાવનવીર હનુમાનના પ્રાગટય દિવસે ૮ વર્ષના બાળકને ગાદીએ અર્પણ કર્યો હતો. જગ્યાના મહંતે પરંપરાગત ચાદર-તિલક વિધી કરી લઘુ મહંત તરીકે પ્રસ્થાપીત કર્યા હતા.
ચૈત્રી પુનમે સૌરાષ્ટ્રભરના ભાવીકો આ જગ્યાએ ઉમટી પડતા આ જગ્યા ઉપર મેળા જેવો માહોલ જામ્યો હતો. ઠાંગા પંથકની પ્રખ્યાત ગુરૂ ગેબીનાથ જગ્યા હેઠળ આવતી નાની મોલડી ખાતે ભગત આપા રતાની જગ્યા સૌરાષ્ટ્રની દહણ જગ્યાઓમાં આગવુ સ્થાન ધરાવે છે. જગ્યાના વયોવૃધ્ધ મહંત દાદાબાપુની નિશ્રામાં ચૈત્રી પુનમે પરચાધારી બાવનવીર હનુમાનજીના પ્રાગટય દિવસે મેળા જેવો માહોલ જામ્યો હતો. જગ્યા પરિવારના આપા રતા પરિવારના અનકભાઈ પીઠુભાઈએ પોતાના વ્હાલસોયા પુત્ર દિવ્યરાજ (ઉ.વ.૮)ને મહંતની આજ્ઞા અનુસાર જગ્યાને અર્પણ કરી દીધો હતો. હજારો ભાવીકોની ઉપસ્થિતીમાં મહંત દાદાબાપુ એ બાળક દિવ્યરાજની ચાદર-તિલક વિધી સંપન્ન કરી ઔહતી. દિકરાના દાન લેતી દેહણ જગ્યાઓની પરંપરા જાળવતી ભગત આપા રતાની નાની મોલડી ખાતેની જગ્યાએ કુમળા ફુલના દાન દેવાતા સંખ્યાબંધ આંખોમાં હરખની અશ્રુધારા વહી હતી. ચોટીલા નજીક ઠાંગા પંથકના ઠીકરિયાળા વીડ નજીક આવેલ નાની મોલડી ખાતેના આપા રતા કાઠી ભગત ભગવાન કાળિયા ઠાકરના પરમ સેવક હતા. વયોવૃધ્ધે દ્વારકાધીશજીના પગપાળા દર્શન કરવાની ટેક સાથે ઠીકરિયાળા વીડ થી નાની મોલડી પહોંચ્યા હતા. જે સ્થળે ભગવાન દ્વારકાધીશ સામે ચાલીને આપા રતાને મળીને દર્શન દીધાની લોક વાયકા છે. ત્યારે ભગતે ભગવાન કાળિયા ઠાકરને કહ્યુ કે, તમે મને દર્શન દીધા છે, તેનો ગ્રામજનો પરચો માંગશે, આથી ભગવાને કહ્યુ કે, આ જગ્યાએ બાવન ટસકા કરીશ તો બાવન હનુમાનની મૂર્તિઓ આપોઆપ પ્રગટ થશે, અને આ જગ્યાએ જલજીલણી અગિયારસે ગોમતીજીનુ ઝરણુ પ્રગટ થશે, ભગત પરિવારના કોઈએ હવે દ્વારકા દર્શનાર્થે આવવાની જરૂર નથી, આ પવિત્ર સ્થળે દર્શન કરશે તો દ્વારકામાં દર્શન કર્યાનું પૂણ્ય પામશે. આ અંગે કનુભાઈ ખવડે જણાવ્યુ હતુ કે, ભગત પરિવારના અનકભાઈ ભગતને ત્યાં પુત્રી જન્મ લેશે તો સમગ્ર ગામને ધુમાડા બંધ જમાડાશે, અને બીજો પુત્રનો જન્મ થશે તો તે દિકરાનું જગ્યામાં દાન દેવાશે, તેવી ટેક લીધી હતી. ત્યારે પુત્ર દિવ્યરાજના જન્મ બાદ જગ્યાના મહંત વયોવૃધ્ધ થતાં અનકભાઈ પાસે મહંતે બાધામાં મળેલ દિકરાનું દાન દેવા જણાવ્યુ હતુ. જે આ દેહણ જગ્યાની પરંપરા અનુસાર ચૈત્રી પુનમે દિવ્યરાજ (ઉ.વ.૮)ને તિલક વિધી કરી જગ્યાના લઘુ મહંતનું બિરૂદ આપ્યુ છે.