લ્યો બોલો કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે, આ મુદ્દાને લઈને ગુજરાતમાં ચૂંટણી લડશે

મંગળવાર, 11 એપ્રિલ 2017 (13:32 IST)
ગુજરાતમાં હવે કોંગ્રેસ પણ ચૂંટણી જંગમાં હિન્દુત્ત્વનો મુદ્દો આગળ ધરવા તૈયારીઓ હાથ ધરી છે. કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં સાધુ-સંતોને ટિકિટ આપી તેમને મેદાનમાં ઉતારવાની વેતરણમાં છે, આ માટે ગાંધીનગરના વિશ્વાનંદ મહારાજને મનાવવા પ્રયાસો કર્યા છે, આ સિવાય અન્ય સાધુ-સંતોનો સંપર્ક સાધી તેમને મનાવવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની માફક કોંગ્રેસ પણ હિન્દુત્ત્વનો મુદ્દો ચગાવવાના મૂડમાં છે. જેમાં રામ મંદિરના નામે ગુજરાતમાંથી જે નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા તેનો હિસાબ-કિતાબ માગવામાં આવશે. ગૌહત્યા મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, ગુજરાતમાંથી લાખો કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો છે, કસાઈઓને છુટાદોર અપાયો છે અને હવે ચૂંટણી સમય આવ્યો છે ત્યારે કડક કાયદો બનાવ્યો છે. આ મુદ્દા આગળ ધરીને પણ કોંગ્રેસે સાધુ-સંતો-ભગવંતોનો સંપર્ક સાધ્યો છે, આ સાધુ-સંતોને ચૂંટણી લડવા કહેવાઈ રહ્યું છે, જે સાધુ-સંતો ચૂંટણી લડવા રાજી નથી તેમને કોંગ્રેસની સભાઓમાં હાજરી આપવા, પક્ષની પડખે રહેવા અનુરોધ કરાઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના મુસ્લિમ આગેવાનોએ વસતિના પ્રમાણમાં ટિકિટ મળે તે માટેની માગણી ઉઠાવી છે એટલે કે 9 બેઠકોની ડિમાન્ડ કરી છે, અલબત્ત, હિન્દુત્ત્વ મુદ્દે ચૂંટણી લડવા માગતી કોંગ્રેસ આ સમુદાયની પૂરેપૂરી માગ સંતોષવાની નથી, કારણ કે કોંગ્રેસે ગુજરાતમાંથી ચાર મુસ્લિમ ઉમેદવારોને જ ટિકિટ આપવાનું મન મનાવી લીધું છે. ટેકેદારોની બેઠક મળી ત્યારે ખુદ કોંગી નેતાએ સ્પષ્ટ કહી દીધું હતું કે, કોઈએ અન્યાય થયો હોવાની વાત લઈને આવવી નહિ, કારણ કે ટિકિટ જીતે તેવા ઉમેદવારને જ આપવાની છે.

વેબદુનિયા પર વાંચો