કેગના અહેવાલ બાદ હચમચી ગયેલું મ્યુનિ. તંત્ર, 625 કરોડના ઝૂંપડપડ્ડી વિકાસના કૌભાંડનો વકરી રહેલો વિવાદ

ગુરુવાર, 6 એપ્રિલ 2017 (16:27 IST)
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એન્જિનિયરો પોતાને હપ્તા મળતા હોય તો નિયમોની જોગવાઇઓને મરોડવામાં કોઇ પણ હદે જઇ શકે છે, તેનું તાજું ઉદાહરણ સ્લમ રિડેવલપમેન્ટ પોલિસીના અમલમાં ખાનગી ડેવલપર્સ અને બિલ્ડરોને રૃા. ૬૨૫ કરોડનો ફાયદો પહોંચાડવાની બહાર આવેલી ગંભીર બાબત છે.

કેગના અહેવાલમાં આ અંગે થયેલી કડક ટીકા છતાં વહિવટીતંત્ર અને ભાજપના સત્તાવાળા તેને સહજ રીતે લઇ રહ્યાંનું જણાય છે. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો આ ઘોર ઉદાસિનતા સામે આવતી કાલ ગુરૃવારે બપોરે ૧૨ વાગ્યે મ્યુનિ. સમક્ષ ધરણાં કરનાર છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વિપક્ષે કમિશનરે રજૂઆત કરી ત્યારે થોડો ઉશ્કેરાટ પણ થયો હતો. હવે ધરણાં બાદ તેઓ રાજ્યપાલને પણ પગલાં લેવાની માગણી સાથે આવેદનપત્ર આપનાર છે અને છતાં પણ પરિણામ નહીં આવે તો હાઇકોર્ટમાં જનાર હોવાની જાહેરાત કરી છે.
ઝૂંપડપટ્ટી રહીત શહેર' સારા હેતુ માટે સરકારે ઘડેલી પોલિસીને એનો અમલ કરનાર મ્યુનિ.ના અણઘડ તંત્રએ ધક્કો પહોંચાડયો છે. જમીનની કિંમત નક્કી કરવામાં, મકાનોની ગુણવત્તામાં, ગરીબ આવાસ યોજનાના મકાનો યોગ્ય લાભાર્થીઓને ફાળવવામાં, લાભાર્થી પાસેથી જરૃરી રકમ વસુલ કરવામાં વગેરે તમામ મોરચે મ્યુનિ.ના અધિાકારીઓ અને સત્તાવાળાઓ નિષ્ફળ ગયા છે. ભાજપની ભ્રષ્ટાચાર મુક્ત વહિવટની  જાહેરાતોની હવા કાઢી નાખી છે.

ભાજપના નેતાઓ સાથે નિકટતા ધરાવતા ચાર બિલ્ડરોને જ ટીડીઆરનો રૃા. ૩૫૦ કરોડનો ફાયદો પહોંચાડયો છે. હજુ પણ ૨૦ જેટલી ઝૂંપડપટ્ટીના પુનઃવસનની ૧૫૦૦ કરોડથી વધુ રકમની યોજનાઓ પાઈપલાઈનમાં છે. આમાં પણ આટલી જ બેદરકારી રખાશે તો તેમાં પણ એક હજાર કરોડનું કૌભાંડ થશે તેમ આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે.

ઉપરાંત કેગના અહેવાલમાં એવી ગંભીર નોંધ લેવાઇ છે કે મકાનો બાંધવા માટે જમીનનો પુરતો ઉપયોગ કરવા પર ધ્યાન નથી અપાયું. બહુમાળીના બદલે નીચા મકાનો બનાવ્યા છે. ઉપરાંત આઠ ઝૂંપડપટ્ટીના ૬૫,૫૫૩ ચો.મી.ના નેટ પ્લોટમાં ૨૫૪૫ મકાનો અને ૮૩ દુકાનો સાથે ૨૬૨૮ મિલકતો બાંધવામાં આવી છે.
જમીનનો જો યોગ્ય ઉપયોગ કરાયો હોત તો મ્યુનિ.ને સારી એવી જમીન મળી હોત. જંગી મુજબ પણ ૩૨.૬૨ કરોડનો ફાયદો હોત. બજાર કિંમત પ્રમાણે તો આ રકમ વધીને ૧૦૦ કરોડ જેટલી થાય તેમ છે. ક્યાંક લાભાર્થી સિવાયના લોકોને મકાનો ફળવાયા છે, ક્યાંક એક જ લાભાર્થીના કુટુંબીજનો સાથે પાંચ-પાંચ મકાનો ફાળવ્યા છે. તમામ પાસાઓમાં ગોટાળા અને ગેરરીતિ ઉપસી આવે છે.

વેબદુનિયા પર વાંચો