બે દિવસ બાદ અમદાવાદની ૧૬ વિધાનસભા બેઠકની પેનલ બનાવવાનો કોંગ્રેસમાં ધમધમાટ

શનિવાર, 25 માર્ચ 2017 (15:19 IST)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોઇ વિપક્ષ કોંગ્રેસે મે મહિનાના અંતમાં અથવા તો જૂનના પહેલા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત કરાશે તેવી ગણતરી માંડી છે. આમ તો કોંગ્રેસે છેક ગત ડિસેમ્બરથી ઉમેદવારો નક્કી કરવાની કવાયત આરંભી હતી. હવે સોમવારથી રાજ્યભરમાં સંભવિત ઉમેદવારોની પેનલ બનાવવાની કામગીરી હાથ ધરાશે.

ગઇ કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ હતી, જેમાં શંકરસિંહ વાઘેલા, શકિતસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. બેઠકના અંતે પક્ષ હાઇકમાન્ડ દ્વારા નિરીક્ષકો ઉપરાંત આદિવાસી અધિકાર યાત્રાને રદ કરવા સહિતની મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરાઇ હતી. નિરીક્ષકોની યાદીમાં ટિકિટના અનેક દાવેદાર હોઇ આ બાબત પણ ચર્ચાસ્પદ બની છે. જ્યાં સુધી અમદાવાદ શહેરને લાગેવળગે છે ત્યાં સુધી શહેર-જિલ્લા પ્રમુખપદના કેટલાક દાવેદારોને નિરીક્ષકની ફરજ સોંપાઇ છે. શહેર પ્રમુખ ચેતન રાવલની તબિયત નાદુરસ્ત હોઈ પ્રદેશ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવે ગઇ કાલે સાંજે અમદાવાદ શહેરની ૧૬ બેઠકના સંભવિત ઉમેદવારોની પેનલ બનાવવાની જવાબદારી પૂર્વ શહેર પ્રમુખ પંકજ શાહને સોંપી છે.

વેબદુનિયા પર વાંચો