સુરતમાં બોલિવૂડની આ અભિનેત્રીએ કર્યો બફાટ, કહ્યું દેશના 100 મુખ્યમંત્રીઓ મોદીની પાછળ પડયા છે

મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (15:03 IST)
તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ફિલ્મ અભિનેત્રી મૌસમી ચેટરજીએ આજે શહેર ભાજપની જાણ બહાર સુરતમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. પત્રકાર પરિષદમાં તેમણે બફાટ કર્યો હતો કે દેશના ૧૦૦ મુખ્ય પ્રધાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ પડી ગયા છે. મોદી સરકારના પાંચ સારા કામો ગણાવવામાં તેમને પરસેવો પડી ગયો હતો.
૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂકેલા વીતેલા જમાનાની પીઢ અભિનેત્રી મૌસમી ચેટરજી આજે સુરતના મહેમાન બન્યા હતાં. કોંગ્રેસની ટિકિટ પર પાલિકા ચૂંટણી લડી ચૂકેલા ઉમેશ મહેતાએ હોટલ તાજ ગેટ વે ખાતે મૌસમી ચેટરજીની પત્રકાર પરિષદ ગોઠવી હતી. શહેર ભાજપના નેતાઓને આ પત્રકાર પરિષદ અંગે અંધારામાં રાખવામાં આવ્યા હતા. 
ચાર વાગ્યે છેક છેલ્લી ઘડીએ પત્રકાર પરિષદની માહિતી મળતા પ્રમુખ નીતિન ભજિયાવાલા, મહામંત્રી મદનસિંહ અટોદરિયા અને ઉપાધ્યક્ષ પીવીએસ શર્મા પ્રોટોકોલ મુજબ હોટલ પર પહોંચ્યા હતા. ચાર વાગ્યાની પ્રેસ બોલાવાઇ હોવા છતાં સવા પાંચ સુધી મૌસમી ચેટરજી આવ્યા નહોતા. ઉમેશ મહેતાને ભાજપમાં લેવાની જાહેરાત કરવા પ્રેસ બોલાવાઇ હોવાની ચર્ચા વચ્ચે એક પછી એક બફાટ થતા ફિયાસ્કો થયો હતો.વિપક્ષો પર પ્રહાર કરતી વખતે તેમણે બફાટ કર્યો હતો કે દેશના ૧૦૦ મુખ્ય પ્રધાનો ભેગા થઇને વડાપ્રધાનની પાછળ પડી ગયા છે. 
તેમને ૧૦૦ મુખ્ય પ્રધાનના નામ ગણાવવાનું કહેવામાં આવતા તેઓ ચુપ થઇ ગયા હતા. બીજી તરફ સાડા ચાર વર્ષમાં મોદી સરકારે કયા પાંચ સારા કામો કર્યા તે ગણાવવાનું કહેવામાં આવતા તેઓ એક બે કામથી વધારે કામો બતાવી શકયા નહોતા. એક પછી એક મુદ્દાઓ પર તેમણે બફાટ શરૃ કરતા શહેર ભાજપ ઉપાધ્યક્ષ પીવીએસ શર્માએ તેમના હાથમાંથી માઇક લઇ પત્રકાર પરિષદને સમાપ્ત જાહેર કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર