ઉત્તરપ્રદેશમાં બહુમત બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણીના ચક્રો ગતિમાન!

શનિવાર, 11 માર્ચ 2017 (12:58 IST)
ઉત્તરપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજયનો લાભ લઈને હવે ભાજપે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ 2012માં જોયેલા 150 પ્લસ બેઠકોના સપનાને સાકાર કરવા માટે કવાયત હાથ ધરશે. ગુજરાતમાં પણ યુપી જેવી ભવ્ય જીત હાંસલ કરવા માટે વહેલી ચૂંટણી કરવાના ચક્રો ગતિમાન થઈ ગયા છે. યુપીને મતદાન બાદ ગુજરાત આવેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહે પક્ષના આગેવાનો અને સરકારના મંત્રીઓને આ અંગેનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. પરંતુ યુપીના પરિણામોને ધ્યાનમાં રાખીને દિવાળી સુધીમાં ગુજરાતની ચૂંટણી પૂર્ણ કરવા ભાજપના હાઈ કમાન્ડે પ્રદેશના નેતાઓને સુચના આપી છે. ગુજરાતમાં 2014માં નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી સરકારના કાર્યકાળમાં ભાજપની છાપ ખરડાતી જતી હતી. આનંદીબેનના શાસનમાં ભ્રષ્ટાચારના મુદ્દે પર આક્ષેપો થયા હતા જ્યારે રૂપાણી સરકારમાં આંદોલનો અને સરકાર અને સંગઠન પર મુખ્યમંત્રીની પકડ ન હોવાના કારણે આંતરિક જુથબંધી વધી ગઈ છે. 

 ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દલિત, ઠાકોર સમાજનો વિરોધ, ખેડૂતો, મહિલાઓ, કર્મચારીઓનો સરકાર સામે રોષ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનનો અભાવ આવા અનેક પાસા જોતા ગુજરાતમાં જો સમયસર ચૂંટણી કરવામાં આવે તો ભાજપને નુકસાન નો ભય દેખાતો હતો. જોકે હવે યુપીમાં ભવ્ય જીતને પગલે ભાજપ ફરીથી ગેલમાં આવી ગયું છે.ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 10થી વધુ વખત મુલાકાતો લીધી છે. આ દરમિયાન ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી લઈને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને થનારા નુકસાન અંગેનો અહેવાલ પર મેળવ્યો હતો જેમાં જો ડિસેમ્બરમાં ચૂંટણી કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપને માંડ 100 સીટો મળે તેમ હતી. જ્યારે આજના ઉત્તરપ્રદેશ વિધાનસભાના પરીણામોને લઈને ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી કરવામાં આવે તો યુપીના લાભ સાથે ગુજરાતમાં 150 બેઠકો મળી શકે તેમ હોવાનું તારણ ભાજપના હાઈકમાન્ડે કાઢ્યું છે.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર અને મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના હાઈકમાન્ડ એવા અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિતના અન્ય રાજયોની વિધાનસબાની ચૂંટણી અંગે એનાલિસિસ કર્યું હતું જેમાં યુપીમાં બહુમતી સાથે ભાજપની સરકાર બની જાય તો તેનો લાભ લેવા ગુજરાતમાં વહેલી ચૂંટણી કરી દેવી આ માટે નરેન્દ્ર મોદીની છેલ્લી ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે પક્ષના નેતાઓને આગેવાનો સંકેત આપી દીધો હતો. જેના બીજા જ દિવસે અમિત શાહે પણ ગુજરાત આવીને પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી વહેલી ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવા કહીં દીધુ હતું.

વેબદુનિયા પર વાંચો