સૌરાષ્ટ્રમાં ગોસાબારા ગામના લોકો પાસે માત્ર માછીમારી સિવાય પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ વિકલ્પ નથી. આટલા વર્ષો દરમિયાન આશ્વાસનરૂપે ચૂંટણીલક્ષી મુખ્યમંત્રીના પત્ર સિવાય કાંઈ જ મળ્યું નથી. જેથી ચૂંટણી જાહેર જતા જ 100 માછીમાર પરિવારોએ મતદાન કરવાનો પણ બહિષ્કાર કર્યો છે અને અહીં ટુંક સમયમાં ફરીથી માછીમારી કરવા અંગેની છૂટછાટ નહીં આપવામાં આવે તો 600 જેટલા સ્થાનિકો એકસાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. વર્ષોથી અહીં માછીમારીના વ્યવસાય થકી અમો રોજી-રોટી મેળવતા હતા પરંતુ અસામાજીક તત્વોએ કરેલ ફરિયાદોથી સરકારે માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હોવાના કારણે બેરોજગાર બન્યા છીએ. બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ ટુંક સમયમાં સરકાર નહીં કરે તો જિલ્લા કલેક્ટર ખાતે તમામ ગ્રામજનો જઈ આત્મવિલોપન કરશું, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ગોસાબારા નજીક દરિયો અને કર્લી જળાશયમાં પક્ષીઓની સુરક્ષાને ધ્યાને લઈ પ્રતિબંધ જાહેર કરાયો હોવાથી માછીમારો બેરોજગાર બની ગયા છે. ગોસાબારાના માછીમારોને તંત્ર દ્વારા માધવપુર દરિયાકિનારે માછીમારી કરવા જવાનું કહેવામાં આવતા માછીમારોને માધવપુર સુધી આવવા-જવાનો ખર્ચ પોષાય તેમ નથી, જેને લઈને માછીમારો મુંઝવણમાં મૂકાયા છે. ગોસાબારા ગામે 2010માં ફિશરીઝ ડિપાર્ટમેન્ટે કર્લી જળાશયને પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કરી માછીમારી કરતા માછીમારોના ફિશીંગ માટેના લાયસન્સ રદ કરી નાખ્યા હતા. આ અંગે ગોસાબારા ગામના સ્થાનિકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેથી 6 વર્ષના વહાણા વિત્યા બાદ વર્ષ 2016માં ગોસાબારાના દરિયાકિનારે સમુદ્રમાં માછીમાર કરવાની પરવાનગી ફિશરીઝ વિભાગે આપી હતી અને તે લોકોના માછીમારી કરવાના લાયસન્સ ફરી ઈસ્યુ કર્યા હતા. ત્યારબાદ માત્ર 6 મહિનાનો સમય વિતતા જ ફરીથી કોઈ કારણોસર સરકારે ગોસાબારાના સમુદ્રમાં માછીમારી કરવા માટેની પરમીશન રદ કરી નાખી હતી અને તે લોકોના ઈસ્યુ કરેલા લાયસન્સ પણ ફરીથી રદ કર્યા હતા. સરકારે માછીમારી કરવા પર પ્રતિબંધ લાદયો હોય અને ગોસાબારા ગ્રામજનોની આજીવિકા માટે અન્ય કોઈ આધાર ન હોવાથી હાલ સ્થાનિકોની કફોડી સ્થિતિ થઈ છે.