ભાજપના ધબડકા બાદ ભાજપના કાર્યકરોને વાચા ફૂટી, સંગઠનમાં કાર્યકરોનું કોઈ સાંભળતું નથી
ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:22 IST)
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામમાં ભાજપના ધબડકાને પગલે ગુજરાતમાં ભાજપના કાર્યકરો-આગેવાનોને વાચા ફૂટી છે અને આ પરિણામની આડમાં ગુજરાત સરકાર અને ભાજપમાં પ્રવર્તતી સ્થિતિ અંગે હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. કેટલાક કાર્યકરો અને આગેવાનો ગુજરાતમાં પણ આવી સ્થિતિ સર્જાય તે પહેલાં ડેમેજ કંટ્રોલની કરવાની તાતી જરૂરિયાત હોવાનું જણાવતાં કહે છે કે, સરકાર-સંગઠન વચ્ચે સંકલનનો અભાવ, સરકારની અનિર્યાણકતા, ધારાસભ્યો-કાર્યકરોની અવગણના, પાંચ-પચ્ચીસ નેતાઓ-કાર્યકરોની સાંઠગાંઠ અને વહીવટીતંત્ર પરની ઢીલી પકડ અંગે ઝડપથી નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ગુજરાતમાં પણ આ રાજ્યોનું પુનરાવર્તન અટકાવી શકાશે નહીં તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ગાંધીનગરમાં સચિવાલયની મુલાકાતે આવેલાં ભાજપના મોટાભાગના ધારાસભ્યો અને કાર્યકરો પાસેથી ત્રણ રાજ્યોમાં ભાજપના પરાજયની ચર્ચાની સાથે સાથે સમીક્ષા પણ સાંભળવા મળી હતી. જેમાં એકસમયે કેડર બેઝ પાર્ટી ગણાતા ભાજપમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્યકરોનો છેદ ઉડાડી દેવાની માનસિકતા પ્રત્યે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. સરકાર અને પાર્ટીમાં ચૂંટાયેલાં ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના આગેવાનો-કાર્યકરો કામ લઈને સચિવાલયમાં આવે છે, પરંતુ તેમના કામ થતાં નથી. એક યા બીજા કારણોસર કામ ટલ્લે ચડાવવામાં આવે છે. ચૂંટણી સમયે ‘દેવદુર્લભ' લાગતો કાર્યકર સત્તામાં આવ્યા પછી નકામો બની જાય છે. ગાંધીનગરમાં કામ લઈને આવેલાં મધ્ય ગુજરાતના કાર્યકરોના જૂથે બળાપો વ્યક્ત કરતાં કહ્યું કે, સરકાર બન્યા પછી જાણે અમારી કોઈ જરૂરિયાત જ ન હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. ચૂંટણી સમયે ભાજપતરફી મતદાન કરાવવા માટે આદેશ કરનારા લોકો સત્તામાં આવ્યા પછી ગુણદોષ જોયા વિના એક જ લાકડીએ હાંકવાની નીતિ અપનાવી નિયમો બતાવીને કામ કરતા નથી. કાર્યકરોની ઉપયોગીતા માત્ર પડદા-પોસ્ટર બાંધવા માટે જ હોય છે? ગ્રાસરૂટ પર કામ કરનારા કાર્યકરો-આગેવાનોને ભાગીદાર બનાવવાની વાત તો દૂર રહી પરંતુ જાહેરમાં અપમાનિત કરતા પણ અચકાતા નથી. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોએ આ જૂથની વ્યથામાં સૂર પુરાવતાં કહ્યું કે, સરકારના સિનિયર પ્રધાનો જ્યારે એમ કહે કે, અધિકારીઓ અમારું માનતા નથી! ત્યારે તો હદ થઈ જાય છે, અમારે આ દુ:ખ કોને કહેવાનું? બદલી, એડમિશન જેવા કામ લઈને આવવું નહીં તેવા બોર્ડ લગાવનારા પ્રધાનોની કચેરી દ્વારા ધારાસભ્યોના પત્રનો જવાબ આપવાની તસ્દી પણ લેવાતી નથી. સાચું બોલનારાઓનો અવાજ દબાવી દેવામાં આવે છે.