નવરાત્રિમાં શેરી ગરબાની ગાઈડલાઈન,8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત વધારવા આજે નિર્ણય જાહેર થાય તેવી આશા

શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (12:45 IST)
7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછુ થતા  સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર થવાની સાથે સાથે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડો થાય તો સિનેમા ઉદ્યોગ ફરી ધમધમતો થાય અને એ સાથે જ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ એવી આશા છે કે, તેમને પણ નવરાત્રિ દરમિયાન રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા માટે 2 કલાકનો વધારાનો સમય આપવામાં આવે તેવી આશા છે.
 
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે આજે મહત્વનો નિર્ણય કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
અગાઉ 400ને મંજૂરી અપાયેલી
કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અમદાવાદના પાર્ટી પ્લોટ અને ક્લબમાં રાસ - ગરબા નહીં યોજાય. જોકે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રાસ ગરબા માટે મંજૂરી આપી છે, પરંતુ તે માત્ર 400 માણસો પૂરતી જ છે. જેથી પાર્ટી પ્લોટ - ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ચાલુ વર્ષે અમદાવાદમાં ફરી વખત શેરી ગરબાની રમઝટ જામશે. સોસાયટીઓમાં રાસ ગરબા યોજવા માટેની મિટિંગોનો દોર પણ શરૂ થઇ ગયો છે.જુદા જુદા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ મળીને દર વર્ષે 67 જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે રાજય સરકારે નવરાત્રીમાં માત્ર આરતી માટેની જ મંજૂરી આપી હતી. જ્યારે ચાલુ વર્ષે ગરબા માટેની મંજૂરી આપી છે, પરંતુ તે 400 માણસો પૂરતી મર્યાદિત જ છે. તે સાથે હાલમાં પણ અમદાવાદમાં રાતે 11 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલ પણ ચાલુ જ છે. જેના કારણે પાર્ટી પ્લોટ - ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર