વાવાઝોડાના કારણે કચ્છમાં તા. 17 જૂન સુધી સરેરાશ 464 મીમી વરસાદની સામે 294 મીમી વસરાદ સાથે સિઝનનો 63 ટકા વરસાદ વરસી ગયો હતો. કચ્છમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. બિપરજોયની આ અસર નાસાએ પણ લીધી હતી.વાવાઝોડા બાદ તા. 21મી જૂને જ્યારે નાસાનું એક્વા ઉપગ્રહ મધ્યમ રિઝોલ્યુશન ઇમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર (MODIS) કચ્છ ઉપરથી પસાર થઇ રહ્યું હતું.
ત્યારે વાવાઝોડા બાદ કચ્છમાં ભરાયેલા પાણીની નોંધ આ ઉપગ્રહે લીધી હતી. તેની સાથે નાસાએ તા. 9મી જુનની પણ તસવીર જાહેર કરી હતી. વાવાઝોડા પહેલા કચ્છના મોટા અને નાના રણ સુકા હતા એટલે કે તે મીઠાનું રણ હતું. કચ્છની ઇશાન બાજુના રણમાં કે જ્યાં રાજસ્થાનની લુણી નદી રણમાં વિલીન થાય છે. તેમાં ભરપુર પાણી દેખાઇ રહ્યુ છે. તો કચ્છનુ નાનુ રણ પણ પાણીથી લથપથ જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ તસવીરમાં કચ્છના બન્નીમાં પણ પાણી ભરાઇ ગયા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. નાસાએ સોશિયલ મીડિયા પર પણ આ તસવીરો અપલોડ કરી હતી.