નર્મદાના પાણીના પ્રશ્ને કોંગ્રેસ ભાજપ વચ્ચે વિધાનસભા ગૃહમાં અફરાતફરી

ગુરુવાર, 2 માર્ચ 2017 (14:54 IST)
નર્મદાના પાણી પહોંચાડવાના પ્રશ્ને વિધાનસભા ગૃહમાં આજે વિપક્ષ કોંગ્રેસ અને સત્તાધારી ભાજપના સભ્યો વચ્ચે ભારે અફડાતફડી થઈ હતી. કોંગ્રેસનું કહેવું છે કે આ અગાઉ પણ ગૃહમાં જામનગર જિલ્લાનાં ધોળ તાલુકાનાં ગામડાઓનાં તથા જિલ્લાના અન્ય વિસ્તારોના પીવાના પાણીની તંગી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આમ છતાં હજુ સુધી સમસ્યા દૂર થઈ નથી.

જ્યારે બીજી બાજુ ભાજપે એવો બચાવ કરતો જવાબ આપ્યો હતો કે કોંગ્રેસનાં ૧૯૯૬-૯૭ કરતાં પાણીની સ્થિતિ અત્યારે ઘણી સારી છે. કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય રાઘવજી પટેલે ગૃહમાં નર્મદાના પાણી અંગે પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે, જો આ જિલ્લા ફરીયાદ સમિતિ, પાણી પુરવઠા અધિકારી, પાણી પુરવઠા બોર્ડના અધિકારી, પાણી પુરવઠા સચિવ અને બબ્બે વખત મંત્રીની પરામર્શ સમિતિમાં લેખિત-મૌખિકમાં રજૂઆતો કરી છે. ઉકેલ નહીં આવતાં ચોથી વખત આ પ્રશ્ન રજૂ કરવો પડે છે.

૨૦૧૪થી આ સભાગૃહમાં ફરીયાદ કરી રહ્યો છું. ૨૦૧૭માં પણ તેનો કોઈ અંત આવ્યો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી તંત્ર દ્વારા દર વખતે જુદા જુદા ઠાલા આશ્વાસનો આપતા જવાબો અપાયા હતા. ગતિશીલ ગુજરાતનો આવો વહીવટ તમે કરો છો ? જોકે રાઘવજી પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે ભાજપનાં કેટલાક સભ્યો દ્વારા વચ્ચે વચ્ચે કોમેન્ટો કરાઈ હતી. તેમજ એક તબક્કે બન્ને પક્ષ વચ્ચે ગરમાગરમી ચરમસીમાએ પહોંચી જતાં બધાં સભ્યો ઉભા થઈ ગયા હતા. મંત્રી જશા બારડે ઉભા થઈ જવાબ આપ્યો હતો કે, રાજ્યનું એક પણ ગામ પીવાના પાણીથી વંચિત ન રહે તેવું આયોજન સરકારે કર્યું છે. ધોલ તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજનામાં મજબૂતીકરણની કામગીરી સંદર્ભે કહ્યું કે ધોલ તાલુકાની આજી-૩ તથા ઉંડ-૧ આધારીત જૂથ પાણી પુરવઠા યોજનાની મજબૂતીકરણની કામગીરી ચાલુ છે. આ કામગીરી ૨૨-૧-૧૬ના વર્ક ઓર્ડર પ્રમાણે ૧૮ મહિનામાં પૂરી કરવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં વ્યક્તિદીઠ ૧૦૦ લિટર પાણી આપવાનું નક્કી કર્યું છે. તેઓએ નર્મદા યોજના આધારીત અને અન્ય યોજનાઓની વિગતો પણ આપી હતી. તેમજ ધોલ તાલુકાનાં ૪૨ ગામોને પીવાના પાણીની કરાયેલી વ્યવસ્થાનો ચિતાર આપ્યો હતો. બીજી બાજુ મંત્રીએ બિનજરૃરી લાંબો જવાબ આપતા અને કોંગ્રેસની ટીકા કરતાં કોંગ્રેસનાં સભ્યોએ ભારે બૂમાબૂમ કરી હતી. પ્રશ્નોત્તરી બાદ પૂરક માગણીઓ પરની ચર્ચા પણ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

વેબદુનિયા પર વાંચો