નલિયાકાંડના વિરોધમાં વડોદરામાં હોર્ડિંગ્સ, બહેન દીકરીઓ ગુજરાતમાં સલામત છે ? માત્ર જુઠ્ઠા પ્રચારની કરામત છે'
શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (11:41 IST)
કચ્છ સહિત રાજ્યમાં ચકચાર મચાવી દેનારા નલિયા દુષ્કર્મકાંડના પડઘા હવે વડોદરા શહેરમાં પણ પડી રહ્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ, ગોત્રી રોડ, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ્સ લાગ્યા છે. આ હોર્ડિગ્સની લગાવવાની જવાબદારી શહેરે કોંગ્રેસે લીધી છે. અને આગામી દિવસોમાં ગાંધીનગરમાં જઇને આ મામલે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચિમકી કોંગ્રેસે ઉચ્ચારી છે. નલિયામાં થયેલા દુષ્કર્મકાંડનો વિરોધ વિપક્ષ કોંગ્રેસ જોરશોરથી કરી રહ્યુ છે. આ મામલે કોંગ્રેસ શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાના તમામ પ્રયાસો હાલ કરી રહ્યુ છે. દુષ્કર્મકાંડમાં ભાજપના જ નેતાઓની સંડોવણીને કારણે વડોદરા શહેરમાં ભાજપ વિરોધી હોંડિગ્સ લાગ્યા છે. જેમાં લખવામાં આવ્ય છે કે, 'ભાજપના કારનામા બોલે છે ભારતભરમાં નલિયાકાંડ ગાજે છે', 'બહેન દીકરીઓ ગુજરાતમાં સલામત છે ? માત્ર જુઠ્ઠા પ્રચારની કરામત છે', 'ભાજપનું રાજ મહિલાઓ તારાજ', 'ગુજરાતની અસ્મિતા પર ભાજપનો બળાત્કાર, બહેન-દીકરીઓ પર કેવો દુરાચાર'.આ હોર્ડિંગ્સમાં નારી પરના અત્યાચારના વિરોધમાં નલિયાથી ગાંધીનગર બેટી બચાવો યાત્રામાં જોડાવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપે મહિલાઓ અને ગુજરાતની જનતા પર કરેલા અત્યાચારોને લોકો સુધી પહોંચાડવા માટે અમે લોકોએ આ હોર્ડિંગ્સ લગાવ્યા છે. રાજ્યભરમાં આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવાયા છે. જો કે હોર્ડિંગ્સમાં અમે ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો નથી. એક તરફ ભાજપ ગુજરાતની દીકરીઓ સેફ હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ભાજપના નેતાઓએ જ આવુ કૃત્ય આચર્યુ છે, તે ભાજપની વિચારધારાને છતી કરે છે. ગુજરાત માટે આ શરમજનક ઘટના છે. સમગ્ર શહેરમાં 10 જેટલા સ્થળોએ કોંગ્રેસે આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવ્યા છે. અને 20 દિવાલો પર પણ આ પ્રકારના જ લખાણ લખવામાં આવ્યા છે.