દલિત યુવાને ઘોડી ખરીદી, જાનથી મારી નાંખવાની ધમકી બાદ હત્યા કરાઈ

શનિવાર, 31 માર્ચ 2018 (11:43 IST)
ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે. અનેક મુદ્દાઓ સરકાર અને સમાજ સામે પડકાર ફેંકી રહ્યાં છે. રાજ્યમાં ઉનાકાંડ બાદ દલિતો પરનો અત્યાચાર છાપરે ચડી પોકારી રહ્યો છે. ત્યારે ફરીવાર એક દલિતની હત્યાએ સમગ્ર ગુજરાતને શરમમાં મુકી દીધું છે. ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ઘોડી ખરીદીને તેના પર સવારી કરીને ફરતા રહેતા પ્રદીપ રાઠોડ નામના યુવકની ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે.

21 વર્ષીય પ્રદીપ ઘોડી લઇને ગામમાં નીકળતો હતો જે વાત ગામના ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને ગમતી ન હતી. આ ઘટના બાદ હત્યારાની અટક ન થાય ત્યાં સુધી યુવાનની લાશ લેવાનો તેના પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા કાળુભાઇ મુળજીભાઇ રાઠોડે ઉમરાળા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.જેમા હત્યાના શકદાર તરીકે ટીંબી ગામના નટુભા તથા પીપરાળીના એક દરબાર ના નામ પણ ફરિયાદમાં નોંધાવ્યા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોલીસે આરોપી નટુભાની અટકાયત કરી લીધી છે.અને હાલ તેની પુછતાછ શરૂ હોવાનુ જાણવા મળેલ છે. જયારે કે આ બનાવમાં ભોગ બનનાર યુવક પ્રદીપ ઘોડીનો શોખીન હતો.અને તેણે એક ઘોડી પણ વસાવી હતી. પ્રદિપના પિતાએ જણાવ્યું કે શું એવો કોઇ કાયદો છે કે દલિતોએ ઘોડી રાખવી નહીં ?. સાથે જ તેઓએ જણાવ્યું કે આરોપીઓને ઝડપથી પકડી પાડી તેમની સાથે કાર્યવાહી કરવામાં આવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર