પીએમ મોદી 12મી વખત ગુજરાત આવશે, કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો
બુધવાર, 17 મે 2017 (12:16 IST)
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાતો વધી રહી છે. ભાજપના નેતાઓને રાજ્યમાં થયેલા આંદોલનથી સત્તા ગુમાવવાનો ડર હોવાથી હવે ગુજરાતની દોરી મોદીના હાથમાં આપી દીધી છે. એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. ત્યારે મોદી આ વખતે ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. આ તેમની 12મી મુલાકાત હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભચાઉમાં નર્મદાના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવા તેમજ કંડલામાં વિવિધ વિકાસ કામો માટે આગામી સપ્તાહમાં આવવાના છે. તેઓ 23 મેના નિર્ધારિત કાર્યક્રમો ઘડી કઢાયા છે પરંતુ મોડી રાત્રે પ્રદેશ ભાજપ તરફથી કચ્છના લોકપ્રતિનિધિઓને અપાયેલી સૂચના મુજબ હવે વડા પ્રધાન મોદી 23ના બદલે 22 મેના બપોરે 3 વાગ્યે ભચાઉ આવશે. એપ્રિલ 2011માં રાપર તાલુકામાં નર્મદાની પધરામણી થયા બાદ હવે બીજા તબક્કામાં ભચાઉ સુધી સિંચાઇના નીર પહોંચવાના છે. અહીંથી કચ્છના છેવાડા સુધી કેનાલ વાટે પાણી પહોંચાડવા માટે ભચાઉના લોધિડા પાસે તૈયાર થયેલા હેડવર્કસ પમ્પિંગ સ્ટેશન ઉભું કરાયું છે અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22મી મેના થવાનું છે.
નર્મદાના નીરના વધામણા જેવા લોકોત્સવ માટે અને મોદીને માણવા માટે દોઢ લાખ લોકોને હાજર રાખવાનો ટાર્ગેટ રખાયો છે અને આ માજ્ટે કચ્છ જિલ્લા ભાજપથી માંડીને પ્રદેશ ભાજપનું સંગઠન કામે લાગ્યું છે. કંડલામાં વિવિધ વિકાસલક્ષી કામના કાર્યક્રમમાં પીએમ હાજરી આપશે. ભચાઉના કાર્યક્રમ માટે શ્રોતાઓને માટે એસટી સહિત 1000 બસની વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા કાર્યકારી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.પી. પોકિયાને સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું હતું. 22મી મે બાદ 23મી મે ના રોજ આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક બેઠકનું ઓપનિંગ કરશે. અહીં તેઓ આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ ગુજરાતમાં રાત્રિ રોકાણ કરીને ગુજરાતની ચૂંટણીને લઇને ભાજપાના આગેવાનો પાસે રિપોર્ટ મેળવી શકે છે.