મહેસાણામાં ઉપરાષ્ટ્રપતિનું આજે આગમન, રોડ નવો બનતાંની સાથે વિકાસ ગાંડો થયોનું કેમ્પેન ગાજ્યું

બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (13:05 IST)
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બુધવારે મહેસાણા આવી રહ્યા હોઇ 490 પોલીસ ખડેપગે તૈનાત કરાઇ છે. 13 હજારની બેઠક વ્યવસ્થા વચ્ચે સુરક્ષાને ધ્યાને લઇ બુલેટપ્રૂફ કાચ ગોઠવવા અમદાવાદથી ખાસ ટીમ આવી પહોંચી હતી. સ્ટેજની પાછળ ખાસ 4 ઘોડેસવાર પોલીસનું પેટ્રોલીંગ રહેશે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લામાં સિંચાઇ અને તળાવો ભરવા માટેની પાઇપ લાઇન યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ માટે બુધવારે બપોરે 2 વાગે મ્યુનિ. ગ્રાઉન્ડમાં યોજાશે. જે નિમિત્તે મહેસાણા આવી રહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની સુરક્ષા માટે 3 જિલ્લાની પોલીસ તૈનાત કરાઇ છે. એરોડ્રામથી કાર્યક્રમ સ્થળ સુધી 490 પોલીસ સ્ટેન્ડ ટુ કરાઇ છે.

જુદા જુદા કટ્ટરવાદી અને ત્રાસવાદી સંગઠનો દ્વારા જાનનું જોખમ હોઇ સ્ટેજ પર ત્રણ દિશાઓને આવરી લેતો બીડબલ્યુકોડીયમ (બુલેટપ્રૂફ કાચ) ગોઠવવા અમદાવાદથી ખાસ ટીમ મહેસાણા આવી હતી. ઉપરાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાને લઇ એ ડિવિજન પીઆઇ પી.એસ.ગઢવીએ બનાવેલા સુરક્ષા પ્લાનીંગ અંતર્ગત 2 એસપી, 6 ડીવાયએસપી, 10 પીઆઇ, 35 પીએસઆઇ, 400 પોલીસ, 90 મહિલા પોલીસ, 2 કંપની એસઆરપી, 4 ઘોડેસવાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. આ યોજના અંગે કલેકટર એચ.કે. પટેલ તેમજ સુજલામ સુફલામ યોજનાના સુપ્રિટેન્ડેન્ટ એમ. આર. પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં 9 જળાશયો છે, જે ભૂતકાળમાં અપૂરતા વરસાદમાં પૂરા ભરાતા ન હતા. જેનાથી પીવાના પાણી તેમજ સિંચાઇમાં અગવડો સર્જાતી હતી. આ પાઇપલાઇન નેટવર્કિંગ થયેથી મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ભૂગર્ભ જળનાં તળ ઊંચા આવશે. ભૂગર્ભ પાણીસ્ત્રોતના ફાયદાનો પરોક્ષ લાભ સમગ્ર વિસ્તારને મળશે. 3 વર્ષે પહેલાં વરસાદ અનિયમિત રહેતો હતો. વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા નર્મદાના વહી જતાં પાણીના ઉપયોગ માટે મુખ્ય પાઇપલાઇન કામ શરૂ કરાયા હતા અને 11 પાઇપલાઇન કામ પૂર્ણ થયા પછી પાઇપલાઇન યોજના આગળ વધારાઇ છે. જેનો લાભ ઉત્તર ગુજરાતને મળશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર