હાર્દિક પટેલને મળવા પહોંચેલા મેઘા પાટકરનો વિરોધ થયો, લોકોએ કહ્યું નર્મદા વિરોધી પાછા ફરો

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (15:25 IST)
હાર્દિક પટેલના ઉપવાસને આજે 8મા દિવસે હવે રાજકીય રંગ ધારણ કર્યું છે. જેમાં સૌ પ્રથમ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક સાથે મુલાકાત કરી તેના ખબર અંતર પુછ્યા હતા. જે પછી લાંબા સમયથી વિવાદમાં ફસાયેલા ઉમિયા ધામના હોદ્દેદારોએ પણ હાર્દિકની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

ઉમિયા ધામના જયરામ પટેલે કહ્યું કે, સમગ્ર મામલે હવે નિરાકરણ લાવવું જોઇએ. મારા તરફથી સરકાર સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી. તેમજ પોતે મોડેથી આવ્યા તેના પર તેમને કહ્યુંકે, જ્યારે હાર્દિકે પાણી મુક્યું એવા સમાચાર મળ્યા કે તરત જ બહારગામથી અહીં આવ્યો છું. તેમના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે આવ્યા છીએ અને તેના પર કામ કરીશું. સંસ્થાઓ પાટીદાર સમાજની માગ અંગે સતત વાટોઘાટો કરી રહી છે. હવે સમય આવી ગયો છે કે, પાટીદાર અનામત આંદોલન અંગે સમાધાન આવી જશે. આ તરફ હાર્દિક પટેલના મુદ્દે રાજકીય લાભ દેખાતો હોવાથી સમાજિક કાર્યકર્તા મેધા પાટકર તેને મળવા પહોંચ્યા છે. પરંતુ હાર્દિકની ટીમે તેનો વિરોધ કર્યો હતો. અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અહીં પહોંચ્યા હોવનું કહી તેમનો વિરોધ કર્યો હતો. હાર્દિકના સમર્થકોએ મેધા પાટકર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ત્યાં ‘મેધા પાટકર વાપસ જાઓ’ના નારા લાગ્યા હતા.

પાસ નેતા મનોજ પનારાએ જણાવ્યું કે, મેધા પાટકર વર્ષોથી ગુજરાત વિરોધી રહ્યા છે. જેમના દ્વારા ખેડૂતો અને સૌરાષ્ટ્રના લોકોની સાથે અન્યાયની વાતો કરવામાં આવી છે. જે સ્થિતિમાં હાર્દિક ખેડૂત અને નર્મદા વિરોધીને સમર્થન આપી શકે નહીં. આ ઉપરાંત પાસ નેતાએ જણાવ્યું કે, પાટકરને કોઇ પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેઓ પોતાની મરજીથી અંહી આવ્યા છે. જે જોતાં હાર્દિક તેમની સાથે મુલાકાત કરશે નહીં. આ તરફ ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ મામલે એસપીજીના લાલજી પટેલે નિવેદન આપ્યુ છે. લાલજી પટેલે જણાવ્યુ કે, સરકારે સમાધાન કરવા પ્રતિનિધિ મોકલવા જોઈએ. જો સરકાર અમારી માગણી પુરી નહીં કરે તો એસપીજી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર