વડોદરામાં Sayajirao Gaekwadની કરોડોની પ્રોપર્ટીને લઈને કોર્ટમાં રીટ કરાઈ

શુક્રવાર, 7 જુલાઈ 2017 (12:32 IST)
રાજવી પરિવારનાં સભ્ય ગણાવતાં કેટલાક સભ્યોએ વડોદરાના આખા ઈતિહાસને પડકારીને ચાર વર્ષ પૂર્વે રાજવી પરિવારના સભ્યો વચ્ચે થયેલી આશરે રૃ.૧ લાખ કરોડની મિલકતોની વહેંચણીને ગેરકાયદેસર ઠેરવવાની કોર્ટ પાસે દાદ માગતાં ખળભળાટ મચી ગયો છે. અરજદારે આ સઘળી પ્રોપર્ટીમાં ૫૦ ટકા હિસ્સાની માગણી કરી છે. કોર્ટમાં અરજી કરનારા સ્વ.ગોવિંદરાવ ગાયકવાડના વંશજોએ એવો દાવો કર્યો છે કે, સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) પહેલાના રાજવીઓનાં અમે વારસદારો છીએ.

બ્રિટીશ ગવર્મેન્ટે સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની કાયદાની વિરુદ્ધ જઈને રાજવી પરિવારને દત્તક અપાવીને તાજપોશી કરી હતી. સયાજીરાવ ગાયકવાડ અને ત્યાર પછીના રાજવીઓ તો માત્ર એડમિનિસ્ટ્રેટર હતા. હકીકતમાં આ મિલકતો તો દામાજીરાવ ગાયકવાડ અને તેમનાં વંશજોએ વસાવી છે. પૂર્વ રાજવી ફતેસિંહરાવ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે સ્પે. દિવાની મુ.નંબર ૧૪૯-૭૯ નંબરથી ઈન્દિરાબાઈ ગોવિંદરાવ ગાયકવાડના વારસ દિલજીતસિંહ વિજયરાવ ગાયકવાડ, પ્રતાપસિંહ વિજયરાવ ગાયકવાડ અને સત્યશીલા દેવી ગાયકવાડ (રહે, ચીમનબાગ પેલેસ, શાંતાદેવી ર્નિંસગ હોમ પાસે) સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવો ચાલી જતાં ચીમનબાગ પ્રોપર્ટીનો કબજો ફતેસિંહરાવ ગાયકવાડના વંશજ અને હાલના રાજવી સમરજિતસિંહ ગાયકવાડને સોંપવાનો હુકમ કર્યો હતો. ગોવિંદરાવના વારસદારો કોર્ટને જણાવી રહયાં છે કે, સયાજીરાવ ગાયકવાડ (બીજા) પછી તેમનાં પુત્ર મલ્હારરાવ ગાયકવાડ ગાદીપતિ બન્યાં હતા, પરંતુ બ્રિટીશ ગવર્મેન્ટે સને ૧૮૭૫માં મલ્હારરાવને પદભ્રષ્ટ કર્યાં હતા. મલ્હારરાવના ભાઈ ખંરેરાવ નિસંતાન હતા, જેથી જમનાબાઈ દ્વારા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ને દત્તક લેવામાં આવ્યાં હતા અને અંગ્રેજ સરકાર દ્વારા સયાજીરાવ ગાયકવાડને કાયદાથી વિરુદ્ધ રાજા બનાવ્યાં હતા. સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) અને ત્યાર પછી રાજગાદી સંભાળનારા રાજવીઓ માત્ર રાજ્યના વહિવટકર્તા હતા. તેમણે કોઈ મિલકત વસાવી નથી. બધી મિલકતો આગળના રાજવીઓ વસાવી હતી. હાલના રાજવી શ્રીમંત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને તેમનાં કાકા સંગ્રામસિંહ ગાયકવાડ અને કુટુંબના અન્ય મોભીઓ વચ્ચે ચાર વર્ષ પૂર્વે સને ૨૦૧૩માં લગભગ ૧ લાખ કરોડની અંદાજિત માર્કેટ વેલ્યુ ધરાવતી મૂવેબલ ઇમ્મૂવેબલ પ્રોપર્ટીની થયેલી વહેંચણી ગેરકાયદેસર રીતે થઈ છે. હકિકતમાં આ સઘળી પ્રોપર્ટીમાં અમારો પણ ૫૦ ટકા હિસ્સો છે. સમરજિતસિંહ ગાયકવાડે આ દાવા સંદર્ભમાં પ્રતિક્રિયા આપી હતી કે, દાવો કરનારા લોકોને કોઈ હક્ક કે અધિકાર નથી. સને 2013માં જ્યારે મિલકતોની વહેંચણી થઈ હતી. ત્યારે હાલનો દાવો માંડનારા સભ્યો પણ જોડાવા કોર્ટ પાસે ગયા હતા, પરંતુ અદાલતે તેઓને સ્વીકાર્યા ન હતા.
 

કઈ મિલકતો ઉપર હક્ક જતાવ્યો ?
(૧) લક્ષ્મી વિલાસ પેટેલની કપાતમાં ગયેલી જમીનના વળતર પેટે કોર્ટમાં જમા થયેલા રૃ. ૧૮ કરોડ
(૨) નજરબાગ પેલેસ
(૩) મકરપુરાનો પેલેસ અને આસપાસની ૨૫ વિધા જમીન
(૪) કલા ભુવન મેદાન
(૫) નવલખી કંપાઉન્ડ
(૬) અશોક બંગલો, ઈન્દુમતી મહેલ તથા બકુલ બંગલો
(૭) બગીખાના
(૮) યવતેશ્વર કંપાઉન્ડવાળી જમીન
(૯) પુષ્પક બંગલો, ચિત્રકુટ બંગલો, અમરકુટ બંગલો
(૧૦) માંડવી પાસેનો જૂનાં સરકારવાડા
(૧૧) કુતરાખાના, પિલખાના, જૂનીગઢી
(૧૨) બાજકારખાના, મૌલબાગ અખાડા
(૧૩) મોદીખાના સ્વરલાઇન
(૧૪) આજવા બંગલો, શીરપુર ટીમડી, જામ્બુઆ ખેતીની જમીન
(૧૫) અમદાવાદની ગાયકવાડ હવેલી
(૧૬) મુંબઇ મરીન ડ્રાઇવ રોડ પર આવેલો મહેરગંજ પેલેસ
(૧૭) દિલ્હીમાં આવેલ બરોડા હાઉસ
(૧૮) વારાણસીમા આવેલો મહેલ જ્યાં યુ.પી. સરકારે હાલ મ્યુઝિયમ બનાવ્યું છે
(૧૯) લંડનમાં આવેલો પેલેસ અને આસપાસની ખુલ્લી જમીન
(૨૦) દ્વારકામાં આવેલો દ્વારકા હાઉસ
(૨૧) દિલ્હીમાં આવેલો સિમર પ્લોટ
(૨૨) કરોડોની કિંમતના હિરા જવેરાત, જુદી જુદી પ્રોપર્ટીઓનું ર્ફિનચર અને રાચ રચીલું

વેબદુનિયા પર વાંચો