ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાનો સંભવિત ખતરો, દરિયા કિનારે અપાયુ એલર્ટ, NDRF ટીમો બોલાવાઈ

મંગળવાર, 5 નવેમ્બર 2019 (10:37 IST)
ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાના સંભવિત ખતરા વચ્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. જ્યારે દીવમાં પ્રવાસીઓને બીચ છોડવા તંત્રે સૂચના આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ દીવના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ઉપરાંત દીવમાં તમામ હોટલના બુકિંગ પણ બંધ કરવામાં આવ્યા છે.
 
ગુજરાત પર હાલ 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે અને ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હવે દીવ અને પોરબંદરના દરિયાકિનારા વચ્ચે ત્રાટકશે.
 
હવામાન વિભાગે વાવાઝોડા સમયે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.
 
આઈએમડીએ જાહેર કરેલા હવામાન બુલેટિનમાં કહેવાયું છે કે મહા વાવાઝોડું ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું મહા વાવાઝોડું સતત પ્રભાવક બની રહ્યું છે.
આ સંદર્ભમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ પણ રાજ્યના જિલ્લાતંત્રવાહકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવવાના છે. રાજ્યમાં હાલ ૧પ NDRF ટીમ તૈનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. તેની વિગતો આપતાં પંકજકુમારે રહ્યું કે, હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશીંગ બોટ પરત આવે તે છે. કુલ ૧૨૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે.
 
મહેસૂલ અધિક મુખ્ય સચિવે રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમજ વાવાઝોડાની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે. આગાહીઓને ધ્યાને રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે.
 
આ સંદર્ભમાં ખાસ કરીને મીઠાના અગરિયાઓ, નીચાણવાળા વિસ્તારો, બેટ વિસ્તારો, બંદરો અને બાંધકામ સાઇટ તેમજ વરસાદમાં કટ ઓફ – સંપર્ક વિહોણા થઇ જાય છે તેવા ગામડાઓ પ્રત્યે ખાસ આગોતરી સતર્કતા રાખવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક જ્યંત સરોકારે આ ‘મહા’ વાવાઝોડાની વર્તમાન સ્થિતીની માહિતી આપતા જણાવ્યું કે હાલ પ્રતિકલાક રર૦ કિ.મી.ની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે પરંતુ તેની તીવ્રતા આગામી દિવસોમાં ઘટી જવાની સંભાવનાઓ પ્રબળ છે. હાલ વેરાવળથી ૬૮૦ કિ.મી. દિવ થી ૭૩૦ કિ.મી. અને પોરબંદરથી ૬પ૦ કિ.મી.ના અંતરે દરિયામાં છે.
 
આગામી ૭ નવેમ્બરે આ વાવાઝોડું કલાકના ૮૦ થી ૯૦ કિ.મી. ઝડપે પવન સાથે દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે. આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે રાજ્યના દરિયા કિનારાના સુરત, ભરૂચ, વડોદરા, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ અમદાવાદ, આણંદ, ભાવનગર જિલ્લાઓમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર