ગુજરાતમાં ફરી ત્રાટકશે ચક્રવાત, 'ક્યાર' બાદ હવે 'મહા' વાવાઝોડાની આગાહી

શુક્રવાર, 1 નવેમ્બર 2019 (16:38 IST)
અરબી સમુદ્રમાં ફરી એક વાર ડીપ ડીપ્રેશનને પરિણામે ચક્રવાતનું નિર્માણ થયુ છે. જેના લીધે ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે આ વાવાઝોડાને 'મહા' નામ આપ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં તે ગુજરાત કિનારે ટકરાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠે કરંટ જોવા મળશે. જેથી ગુજરાતના વેરાવળ, ગીર સોમનાથ જિલ્લા, પોરબંદર, જામનગર, તથા દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં તેની વ્યાપક અસર જોવા શકે છે. જો કે આ વાવાઝોડું આગામી દિવસોમાં ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે અને કદાચ તેની તિવ્રતા, દિશા, ગતિમાં ફેરફાર થઈ શકે છે. 
 
મહા ચક્રાવાત ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું 6 કલાકમાં 15 કિમીનું અંતર કાપી રહ્યું છે. 6 કલાકમાં  સીવિયર  સાયક્લોન બનશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 7 તારીખે પવનની ગતિ 70 થી 80 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે . 7 તારીખે પણ ગુજરાત ના દક્ષિણ ભાગમાં (સૌરાષ્ટ્ર) માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ દિવસો દરમિયાન છૂટો છવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. 
 
કેરળના કોચીનમાં 'મહા' વાવાઝોડાની અસર જોવા મળી છે. મહા વાવાઝોડાના કારણે કોચીનમાં દરિયો તોફાની થયો છે અને દરિયા કિનારા પર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસી રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં દરિયાના પાણી ફરી વળતાં લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ક્યાર વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું હતું. દિવાળીના સમયે આ વાવાઝોડું ત્રાટકતા રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર