ભાજપનું મિશન ક્લીન: અમદાવાદના 12 વોર્ડમાં ઉતરશે નવયુવાન પેનલ, માત્ર સક્રિય હોદ્દેદારો જ થશે રિપીટ

બુધવાર, 8 એપ્રિલ 2026 (16:17 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે રાજ્યના સૌથી મોટા અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ મોટી આંતરિક ફેરબદલ કરવાની તૈયારીમાં છે. પક્ષના સૂત્રો અનુસાર, 8 અને 9 એપ્રિલે યોજાનારી બેઠકોમાં ટિકિટ ફાળવણી અંગે અંતિમ મંથન કરવામાં આવશે. નવા આરક્ષણ રોટેશન, જાતિગત સમીકરણો અને પાર્લામેન્ટરી બોર્ડની નવી નીતિને કારણે અંદાજે 140 જેટલા વર્તમાન કોર્પોરેટરોને આ વખતે ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાઈ શકે છે.
 

વયમર્યાદા અને 'નો રિપીટ' થિયરીનો કડક અમલ
 

ભાજપે આ વખતે ઉમેદવારોની પસંદગી માટે કડક માપદંડો નક્કી કર્યા છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને અગાઉ સતત ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂકેલા નેતાઓને ફરીથી તક આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, જે કોર્પોરેટરોની છબી વિવાદાસ્પદ છે અથવા જેમના નામ નાના-મોટા કૌભાંડોમાં સંડોવાયેલા છે, તેમના પર ભાજપ કાતર ફેરવશે. પક્ષનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં સ્વચ્છ અને નિષ્કલંક છબી ધરાવતા નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાનો છે.
 

12 વોર્ડમાં આખી પેનલ બદલાવાની શક્યતા
 

અમદાવાદના 48 વોર્ડ પૈકી 12 વોર્ડ એવા છે જ્યાં ભાજપ આખી પેનલ એટલે કે ચારેય ઉમેદવારો બદલી નાખશે. જેમાં ઘાટલોડિયા, નવા વાડજ, શાહપુર, જમાલપુર અને મકતમપુરા જેવા સંવેદનશીલ અને મહત્વના વોર્ડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ અથવા જાતિગત સમીકરણોમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને ભાજપ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. બાકીના વોર્ડમાં પણ વધુમાં વધુ બે ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે.
 

વિવાદાસ્પદ અને નિષ્ક્રિય નેતાઓ પર જોખમ
 

જે કોર્પોરેટરો પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ક્રિય રહ્યા છે અથવા વિદેશ પ્રવાસમાં જ વ્યસ્ત રહ્યા છે, તેમની સામે પક્ષ લાલ આંખ કરશે. ઉદાહરણ તરીકે, ખોખરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચેતન પરમાર જેવા કિસ્સાઓ મોવડી મંડળના ધ્યાને છે, જેઓ સામાન્ય સભામાં માત્ર હાજરી પૂરાવવા જ આવતા હતા. આવા બિનજવાબદાર નેતાઓના સ્થાને પક્ષ હવે એવા કાર્યકરોને પ્રાધાન્ય આપશે જેઓ લોકોની વચ્ચે રહીને કામ કરી શકે.
 

સક્રિય હોદ્દેદારોને ફરીથી મળી શકે છે તક
 

એક તરફ જ્યાં મોટા પાયે ટિકિટ કપાઈ રહી છે, ત્યારે બીજી તરફ કમિટીઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા સક્રિય હોદ્દેદારોને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે. રેવન્યૂ કમિટીમાં જૈનિક વકીલ અને પ્રદીપ દવે, લીગલ કમિટીમાં પ્રકાશ ગુર્જર તેમજ હાઉસિંગ અને રીક્રીએશન કમિટીના એક્ટિવ સભ્યોની કામગીરીની પક્ષ દ્વારા નોંધ લેવામાં આવી છે. આ હોદ્દેદારોને તેમના અનુભવ અને પરિણામલક્ષી કામગીરીના આધારે ફરીથી ચૂંટણી લડવાની તક મળી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર