રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારો ફોર્મ ભર્યાં, પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારોને મેન્ડેટ આપ્યા

ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (11:49 IST)
કોંગ્રેસે ઉમેદવારો નહીં ઉભા રાખતાં ભાજપના બંને ઉમેદવારો બિનહરિફ થયાં
 
આગામી પહેલી માર્ચે રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના બંને ઉમેદવારો આજે ચૂંટણી માટે ફોર્મ ભરવા પહોંચ્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં બંને ઉમેદવારોને મેન્ડેટ આપ્યાં હતાં. ત્યાર બાદ બંને ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.
બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે
ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.
રામભાઈ ભાજપના સક્રિય આગેવાન છે
રામભાઈ મુળ પોરબંદરના વતની છે.તેમને એક દિકરી અને બે દિકરા છે. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને VHP સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. તેઓ 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.1989 નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે 1985માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે.
દિનેશ પ્રજાપતિ ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તરગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસાભાજપના આગેવાન છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો નહી ઊભા રાખે
કોંગ્રેસે ધારાસભ્યોની સભ્ય સંખ્યાને ધ્યાને રાખીને, રાજ્યસભાની બે બેઠક માટે ઉમેદવારો ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે, ભાજપે આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિ, ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે બિનહરીફ વિજેતા જાહેર થશે. રાજ્યસભાની બે બેઠક માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડ્યુ હોવાથી, ઉમેદવાર વિજયી થાય એટલી માત્રામાં મતદાન કરી શકે એટલા ધારાસભ્યો કોંગ્રેસ પાસે નથી. જેના કારણે તેઓ જે કોઈ ઉમેદવાર ઊભા રાખે તેનો હાર નિશ્ચિત હોવાથી, ઉમેદવાર ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં જનારા કોંગ્રેસના સભ્યની સંખ્યા હવે ઘટીને માત્ર ત્રણ જ થઈ જશે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર