બાળદિવસથી શરૂ થયેલ વાચન અભિયાન ૩ એપ્રિલ ર૦ર૦ સુધી પ્રાથમિક શાળાઓમાં ચાલશે

શનિવાર, 16 નવેમ્બર 2019 (11:27 IST)
પ્રાથમિક શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓમાં વાચન માટેનો અભિગમ કેળવાય અને વાચન સમૃદ્ધ થવાથી લાંબાગાળે તેમની વાચન ક્ષમતા અને જ્ઞાનની ક્ષિતિજો વિકસે તેવા ઉમદા હેતુ સાથે ધોરણ-૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે તા.૧૪/૧૧/ર૦૧૯થી વાચન અભિયાનનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે. સત્રની શરૂઆતમાં તા.૧૪/૧૧/ર૦૧૯ થી તા.ર૩/૧૧/ર૦૧૯ દરમિયાન મૌખિક ભાષા વ્‍યવહાર પ્રવૃત્તિઓ થશે અને ત્‍યારબાદ વાચન અભિયાનના બીજા તબકકાના ભાગરૂપે આ વાચન અભિયાન તા.ર૩,નવેમ્‍બરથી ૩ એપ્રિલ,ર૦ર૦ સુધી-૧૬ અઠવાડિયા માટે ચાલશે. ૧૬મી નવેમ્‍બરે બાયસેગના માધ્યમથી રાજ્યના ધોરણ-૩ થી ૮ના તમામ શિક્ષકોની તાલીમ યોજાશે. 
 
તા.ર૩,નવેમ્‍બરના રોજ ધોરણ-૩ થી ૮ના વિદ્યાર્થીઓની વાચન અર્થગ્રહણની પ્રિ-ટેસ્‍ટ યોજાશે. તેમજ તા.૪,એપ્રિલ-ર૦ર૦ના રોજ વાચન અર્થગ્રહણની પોસ્‍ટ ટેસ્‍ટ યોજાશે. રપ, નવેમ્‍બરથી ૩ એપ્રિલ-ર૦ર૦ સુધી ધોરણ-૩ થી ૮માં ભાષાદીપ અભ્‍યાસપોથી અંતર્ગત ઓછામાં ઓછા દિવસના ૧ કલાક લેખે કુલ ૧૦૦ દિવસની પ્રવૃત્તિઓ વર્ગશિક્ષક દ્વારા વર્ગખંડમાં કરાવવામાં આવશે. આ ઉપરાંત શાળામાં દૈનિક પ્રાર્થનાસભામાં પણ વાચન અર્થગ્રહણ સંદર્ભે પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓની વાચન અર્થગ્રહણ સ્‍પર્ધા પણ યોજવામાં આવશે. 
 
અર્થગ્રહણ સાથે વાચન ક્ષમતા વિકસવાથી અન્‍ય વિષયોમાં થતા વાચનનું પણ અર્થગ્રહણ પાકુ થાય છે અને આથી અન્‍ય વિષયોમાં પણ અધ્યયન નિષ્‍પત્તિઓ સિદ્વ થઈ શકશે. આ કારણે ભાષાદીપ અભ્‍યાસ પોથીમાં આપવામાં આવેલ વાચન માટેની સામગ્રીમાં ફકત ભાષા જ નહીં પણ અન્‍ય વિષયો જેવા કે, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણને ધ્યાનમાં રાખીને વાચન માટેના ફકરા મૂકવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ જાતે રસપ્રદ પ્રવૃત્તિઓ કરે તે માટે વ્‍યકિતગત જોડીમાં તથા સામૂહિક રીતે થઈ શકે તેવું પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આમ, વાચન એ સર્વગ્રાહી રીતે વર્ગખંડમાં થાય તે રીતે વાચન અભિયાનનું આયોજન કરાયું છે. 
 
આ પ્રવૃત્તિઓના સંદર્ભે જરૂર જણાય ત્‍યાં દ્રશ્‍યશ્રાવ્‍ય સામગ્રી પણ વિકસાવવામાં આવી રહી છે જેનો ઉપયોગ શિક્ષકો વર્ગખંડમાં કરી શકશે. અર્થગ્રહણ સાથેનું વાચન થવાથી તેની અસર ભવિષ્‍યમાં બાળકને તેના ઉપલા ધોરણમાં આવતા વિવિધ વિષયોના અભ્‍યાસમાં ખૂબ જ મદદરૂપ થઈ શકશે. આમ, બાળકને અધ્યયન સિઘ્‍ધિમાં ઉત્‍તરોત્‍તર વધારો જોવા મળી શકશે.વાચન અભિયાનની આ શૈક્ષણિક પ્રવૃત્તિનું મોનીટરીંગ ડી.પી.ઈ.ઓ., ડાયટ પ્રાચાર્ય, બી.આર.સી., સી.આર.સી. કેળવણી નિરીક્ષક, તેમજ ડાયટના અધ્યાપકો દ્વારા કરવામાં આવશે. વાચન અર્થગ્રહણ ક્ષમતાને વિકસાવવા માટે વાચન ઝડપ પણ મહત્‍વનો ભાગ ભજવે છે. ગુજરાતી ભાષામાં વાચન ઝડપ સંદર્ભેની પ્રવૃત્તિઓ પણ આ અભિયાન દરમિયાન કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર