ગુજરાતમાં હવે વધશે વરસાદનું જોર, જાણો કયા જિલ્લામાં ક્યારે શરૂ થશે વરસાદ?

શુક્રવાર, 21 જૂન 2024 (17:46 IST)
દક્ષિણ ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસાએ ઍન્ટ્રી લઈ લીધી હતી. ત્યારથી ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યાર બાદ ચોમાસું આગળ વધ્યું ન હતું. પશ્ચિમ બંગાળની શાખા પણ 31 મે બાદ આગળ જ નહોતી વધી.
 
ચોમાસું નવસારીમાં જ અટકી ગયું હતું.
 
પરંતુ ગુજરાતમાં હવે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાએ આગળ વધવાની શરૂ થઈ ગઈ છે.
 
ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં આગળ વધવા લાગ્યું છે.
 
આગાહી પ્રમાણે ચોમાસું હવે ખૂબ ઝડપથી આગળ વધશે. હવે ચોમાસું, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચવાની શક્યતા દેખાય રહી છે.
 
ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે?
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતી સર્જાઈ રહી છે.
 
ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની શરૂઆત કરી દેશે.
 
22 જૂન પછી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી રહી છે. 23-24 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે.
 
23થી 30 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. અત્યારના અનુમાન મુજબ રાજ્યના મોટો ભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા છે.
 
હાલમાંની પરિસ્થિતીમાં જે મૉડલો દર્શાવી રહ્યાં છે તે મુજબ 23 જૂનથી દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાદરા અને નગરહવેલી અને સેલવાસમાં વરસાદ વધશે.
 
ત્યાર બાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે, છોટાઉદેપુર, પંચમહલ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ વધશે.
 
અને તે પછી ઉત્તર ગુજરાતમાં 27-28 જૂન દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.
 
અમદાવાદમાં અત્યારે ચોમાસાની ગતિવિધિઓ ચાલી જ રહી છે અને 27-28 જૂન પછી અહીં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે.
 
સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદ હજી એક બે દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે વધશે.
 
ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેવા કે પોરબંદર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં આવનારા બે-ત્રણ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડશે. કચ્છમાં પણ આવી રીતે જ છુટોછવાયો વરસાદ પડશે.
 
કચ્છના વિસ્તારમાં વરસાદ થોડો મોડો આવી શકે છે. પરંતુ અહીં પણ જૂનના અંત સુધીમાં ચોમાસું બેસી જશે.
 
એકાંતરે આવનારા 8-10 દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વના છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક રીતે શરૂઆત થઈ જશે.
 
આ સિવાય આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર