શ્રાવણ મહિનામાં દાદા દર્શનનું કરવા જતાં પહેલાં જાણી લેજો નિયમો

સોમવાર, 13 જુલાઈ 2020 (19:33 IST)
દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ભક્તોને ભગવાનના દર્શન કરવા મુશ્કેલ બની ગયું હતું. અનલોક બાદ મંદિરોને ખોલવાની પરવાનગી મળી હતી. આગામી 21 તારીખથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે ત્યારે શ્રાવણ માસમાં ભોલેનાથની પૂજા માટે અનેક લોકો દાદાના દર્શન કરવા માટે સોમનાથ મંદિરની મુલાકાત લેતાં હોય છે. ત્યારે કોરોના વાયરસની મહામારી અને વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખતાં શ્રાવણ માસમાં સોમનાથ મંદિરની મુલાકાત લેતાં પહેલાં લાદવામાં આવેલા પ્રતિબંધોને જાણી લેવા જરૂરી છે.  
 
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં સોમનાથ દાદાની પરંપરાગત પાલખી યાત્રા નિકળશે નહી. એટલું જ નહી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બંધ રહેશે. આ ઉપરાંત પૂજામાં માત્ર લોકો જ હાજરી આપી શકશે.
 
શ્રાવણ માસમાં ભગવાનની આરતીના સમયે દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. બહારથી આવનાર દર્શનાર્થીઓએ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ સવારે 6:30થી 11:30 અને 12:30થી 6:30 વાગ્યા સુધી જ દાદાના દર્શન કરી શકશે. 
 
બે દિવસ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે સોમનાથ જ્યોર્તિલંગના દર્શન કર્યા હતા. તેઓએ આજે સવારે દર્શન પૂજન કરીને ગુજરાત સહિત સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. શ્રાવણ માસમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવતાં હોય છે. ગત વર્ષે શ્રાવણ માસમાં 22 લાખથી વધુ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર