Know about Rajkot City - રાજકોટ શહેરના ૪૦૭ વર્ષનો રંગીલો ઈતિહાસ

શનિવાર, 8 જુલાઈ 2017 (15:40 IST)
સૌરાષ્ટ્રના પાટનગર તરીકે અને રંગીલા શહેર તરીકેની ઓળખ ધરાવતા રાજકોટને ૪૦૭ વર્ષ થયા છે. ત્યારે ડ્રોનની નજરે રંગીલા શહેરનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. જેમાં જૂના રાજકોટથી માંડી નવા રાજકોટનો કેવો નજારો છે તે ડ્રોનમાં કેદ થયો છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ શહેરની સુંદરતા વધારે છે તો જૂનું રાજકોટ ઐતિહાસિક વારસો જાવી બેઠુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈશ્ર્વરિયા પાર્ક, રેસકોર્સ, રાજકુમાર કોલંજ, સ્વામિનારાયણ મંદિર, મેટોડા જીઆઇડીસી શહેરની શાન છે.

ડ્રોનની નજરે આ સ્થળો કેવા લાગી રહ્યા છે તે જોઇ શકાય છે. સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતા રાજકોટનો જન્મદિવસ ક્યારે છે તે સત્તાવાર કોઇ રેકોર્ડ નથી. શહેરના રાજા રજવાડાઓ પણ કહી નથી શકતા કે રાજકોટનો જન્મદિવસ ક્યારે ગણી શકાય, પરંતુ ઇતિહાસને ધ્યાને રાખી અને લોકોએ નક્કી કરેલી વાત પ્રમાણે જુલાઇના પ્રથમ અઠવાડિયે રાજકોટને હેપ્પી બર્થ ડે જરૂર કહી શકાય. રાજકોટ પહેલા માસુમાબાદ તરીકે ઓળખાતું હતું. રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો સાચવીને એક આધુનિક, વિકસિત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. આ શહેરનાં ઇતિહાસની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબ વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલા. ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયના જૂનાગઢના નવાબ સુબેદાર માસૂમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબ મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસૂમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસૂમ ખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબ રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મૂળ નામ રાજકોટ રાખ્યું હતું.

વેબદુનિયા પર વાંચો