ગુજરાતના આ શહેરમાં ઉજવાશે દશેરાના દિવસે ઉતરાણનો તહેવાર

ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (12:10 IST)
ઐતિહાસિક અને દેવનગરી સિદ્ધપુરમાં દશેરાનો પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં ઉતરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવાય છે જ્યારે સિદ્ધપુરમાં ઉતરાયણના દિવસે માત્ર દાન પુન્ય કરવામાં આવે છે અને પતંગ મહોત્સવ ઉત્તરાયણની જગ્યાએ દશેરાના દિવસે ઉજવવામાં આવે છે દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે સાથોસાથ લોકો ફાફડા જલેબીની પણ મજા માણે છે. હાલમાં બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા તેમજ માંજો પીવરાવવા માટે લોકોની ભીડ જામી છે. દશેરાના દિવસે પતંગોત્સવ થતો હોય તેવું સમગ્ર ભારત દેશમાં એક માત્ર શહેર સિદ્ધપુર જ છે. અનોખી દશેરાની પતંગોત્સવથી થતી ઉજવણી માટે હાલમાં બજારમાં ઠેર ઠેર માંજો પીવરાવવાના ચરખા લાગી ગયા છે તો અનેક પતંગોની દુકાનો પણ ખુલી ગઈ છે. ૭૦ રૂપિયા પ્રતિ કોડીથી લઈ અનેક ક્વોલીટીના અવનવા પતંગો બજારમાં વેચાઈ રહ્યા છે તો રેડીમેડ બરેલી દોરી એ પણ બજારમાં આકર્ષણ જમાવ્યું છે.૧૪ જાન્યુઆરીના દિવસે જ મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવ ઉજવાય છે, પરંતુ સિદ્ધપુરના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું વર્ષો પહેલાં ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે જ અવસાન થયું હોવાથી સિદ્ધપુરમાં તે દિવસે શોક મનાવાય છે અને તે દિવસને બદલે દશેરાએ પતંગોત્સવ ઉજવાય છે.દિવસ દરમ્યાન પતંગો ચગાવ્યા બાદ શહેરમાં રાત્રીના અગાસી પરણી કાગળ અને મીણની તુક્કલ ચડાવવામાં આવે છે. જો કે ચાઈનીઝ તુક્કલ પર સરકારનો પ્રતિબંધ હોવા છતાં ખાનગીમાં હાલમાં રપ રૂપિયાથી પ૦ રૂપિયા સુધીની ટુક્કલ બજારમાં વેચાઈ રહી છે.હવે શહેર સાથે જોડાયેલી કેટલીક સામાજિક સંસ્થાઓ આ પ્રથા બદલીને ઉત્તરાયણને દિવસે પણ પતંગોત્સવ ઉજવવા લોકોને પ્રેરણા આપવા મફતમાં પતંગ દોરાની વહેંચણી પણ કરે છે. જોકે હજુ સુધી ધારી સફળતા મળી નથી. પતંગોત્સવ દશેરાએ જ ઉજવાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર