જસદણ પેટાચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે રિપોર્ટ માંગ્યો
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (12:06 IST)
જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ગઢ સાચવી શકી નહી.પક્ષપલ્ટુ કુંવરજી બાવળિયાને મતદારો વિજયી બનાવ્યા હતાં જેના કારણે પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી હાઇકમાન્ડે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પરાજયના કારણો સાથે રિપોર્ટ માંગ્યો છે. જસદણ વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત બેઠક હતી.ખુદ બાવળિયા જ આ બેઠક પર પંજાના નિશાન પર વિજેતા થયા છે. કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ પણ મતદારો કોંગ્રેસને નહીં,બલ્કે બાવળિયાને જ મત આપ્યા હતા. કોંગ્રેસને એમ હતુકે,બાવળિયા ભલે પક્ષપલ્ટો કરે,મતદારો કોંગ્રેસની સાથે જ રહેશે.પણ એવુ થયુ નહીં.આ કારણોસર હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. ૂસૂત્રોના મતે,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પરાજયના કારણો સાથે અહેવાલ મોકલવા દિલ્હીથી આદેશ છૂટયો છે. પેટાચૂંટણીમાં છેલ્લે ઉમેદવાર જાહેર કરવાનુ કોંગ્રેસની સ્ટ્રેટેજી ખોટી ઠરી હતી. જૂથવાદ,નબળા સંગઠનને કારણે પણ કોંગ્રેસ ભાજપને ચૂંટણી મેદાને મ્હાત કરવામાં નિષ્ફળ રહ્યુ હતું. સિનિયર નેતાઓ પેટાચૂંટણીથી દૂર રહ્યા હતાં. આ બધાય કારણો પેટાચૂંટણીની હાર માટે જવાબદાર છે.