લાજપોર જેલમાં જૈન ભોજન મેળવવા જૈનાચાર્યની અરજી, ફળો અને દૂધનો આહાર લે છે
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (14:41 IST)
દુષ્કર્મના આરોપી જૈન આચાર્યને લોજપોર જેલમાં એક બેરેકમાંથી અન્ય બેરેકમાં ખસેડવામાં આવ્યા છે. તેને હાલ કેદી નંબર 11035 આપવામાં આવ્યો છે. સાથે જ તેની બેરેક પણ બદલી નાખવામાં આવી છે. હવે તેની બેરેક નંબર બી-4-3 છે. આ બેરેકમાં 15થી 20 કેદીઓ છે. જેલમાં તમામ કેદીઓને કેદી નંબરથી બોલાવવામાં આવે છે. હાજરી સમયે જૈન આચાર્યને કેદી નંબરથી બોલાવવામાં આવતા હાથ ઉચો કરી હાજરી પુરાવે છે.
લાજપોર જેલમાં કાચા-પાકા કામના કેદીઓને કાંદા-લસણવાળુ જમવાનું મળે છે. ત્યારે બળાત્કારના કેસમાં જેલમાં બંધ શાંતિસાગરે કાંદા-લસણ વગરનું ભોજન મળી રહે તે માટે વકીલ મારફતે જેલ પ્રશાસનને અરજી કરી છે. હાલમાં આ અરજી પેન્ડિંગ છે. બળાત્કારી શાંતિસાગર હાલમાં અન્નનો ત્યાગ કરીને માત્ર ફ્રૂટ અને દૂધ લઈ રહ્યા છે. નાનપુરાના દિગમ્બર જૈન મંદિરના આચાર્ય શાંતિસાગરે કોલેજીયન યુવતી સાથે બળાત્કાર કરતા અઠવા પોલીસે ધરપકડ કરી હતી. હજુયે શાંતિસાગર પોતે નિર્દોષ હોવાનો લૂલો બચાવ કરી રહયા છે. લાજપોર જેલમાં કાચા કામના કેદીઓ સાથે રાખવામાં આવ્યા છે. જૈન આચાર્ય હોવાને નાતે તેઓને કાંદા-લસણ વગરનું જમવાનું મળી રહે તે માટે વકીલ કલ્પેશ દેસાઈ મારફતે જેલ પ્રશાસનને અરજી કરવામાં આવી છે. જો કે તેમને બહારનું ટિફિન આપવું કે નહિ તે અંગેનો નિર્ણય આગામી દિવસો લેવાશે.