અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ગઈકાલે સંપન્ન થઈ છે. આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિર સાથે વર્ષોથી લોકોની શ્રદ્ધા અને ભક્તિ વધી રહી છે. જેથી હવે આ મંદિરને રિડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સાથે 50 હજાર લોકો ભગવાનના દર્શન કરી શકે તેવું વિશાળ મંદિર પરિસર બનાવવામાં આવશે. તે ઉપરાંત ભક્તોના રહેવા અને જમવાની વ્યવસ્થાની સાથે મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.
50,000 શ્રદ્ધાળુઓ એકસાથે દર્શન કરી શકશે
મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, મંદિરના રિ-ડેવલોપમેન્ટ માટેનો સરવે એક વખત થઈ ગયો છે. થોડા સમય બાદ ફરીથી સરવે કરીને તેનો એસ્ટીમેટ કાઢ્યા બાદ રિ-ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાશે. રથયાત્રા દરમિયાન 18થી 20 લાખ લોકો ભાગ લેતા હોય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે. વર્ષોથી ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિને ધ્યાનમાં રાખી હવેથી જમાલપુર જગન્નાથ મંદિરમાં 50,000 શ્રદ્ધાળુઓ એકસાથે દર્શન કરી શકે તેના માટે મંદિરને રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
હાથીઓ માટે નવું હાથીખાનું બનાવાશે
મહેન્દ્ર ઝાએ વધુમાં કહ્યું હતું કે, નવા મંદિર પરિસરમાં બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોની રહેવા જમવાની વ્યવસ્થા સાથેનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. બે માળનું મોટું પાર્કિંગ પણ બનાવવામાં આવશે. જગન્નાથ મંદિરની માલિકીની જગ્યામાં ચારથી પાંચ ચાલીઓમાં લોકો રહે છે તેઓ માટે એક અલગ જગ્યામાં મકાનો બનાવીને તેમને રહેવા માટે આપવામાં આવશે. મંદિરમાં હાથીઓ માટે નવું હાથીખાનું બનાવવામાં આવશે.
એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવનાર છે
મંદિરની ઓફિસ પણ નવી જગ્યામાં બનાવવામાં આવશે. જમાલપુર જગન્નાથ મંદિરમાં મહંત નરસિંહદાસના સમયથી રથયાત્રા નીકળી અને આજ દિન સુધીની રથયાત્રા સહિત મંદિરના ઇતિહાસ વગેરેની ઝાંખી કરાવતું એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવનાર છે. જગન્નાથ મંદિરના રિ-ડેવોલપમેન્ટ માટેનો સરવે કરવામાં આવ્યો છે, આગામી દિવસોમાં તેનું એસ્ટીમેટ તૈયાર કરી અને પ્લાન પાસ કરાવવા માટે મૂકવામાં આવશે.