આફ્રિકા, બ્રિટન, કે અખાતી દેશોના બદલે પોરબંદરના યુવાનોમાં હવે ઇઝરાયલ હોટફેવરિટ!
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:52 IST)
પોરબંદર અને આસપાસના વિસ્તારોના ૧૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓ હાલ ઇઝરાયલમાં નોકરી કરી રહ્યા છે. ત્યાંના નર્સિંગ અને કેર-ટેકીંગ ક્ષેત્રમાં પોરબંદરના યુવક-યુવતીઓ વધુ પ્રમાણમાં છે. આફ્રિકા, બ્રિટન કે યુએઈની જગ્યાએ હવે અહીં ઈઝરાયલ જવાનો ટ્રેન્ડ પ્રચલિત થયો છે. ગુજરાતી હંમેશા દરિયાખેડૂ પ્રજા રહી છે. ગુજરાતીઓ વેપાર-વ્યવસાય માટે અમેરિકા, બ્રિટન, કેનેડા, આખાતી દેશો કે આફ્રિકન દેશોમાં વેપાર-વ્યાવસાય માટે સ્થળાંતર કરતા રહ્યા છે. તેમાં પણ પોરબંદર અને આપસાસનો વિસ્તાર આ સાહસિકતા માટે વધુ જાણીતો છે.
હવે અહીં અમેરિકા, બ્રિટન, આફ્રિકા કે યુએઈની જગ્યાએ ઇઝરાયલ જવાનો ટ્રેન્ડ શરૃ થયો છે. અહીંના ૧૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓ હાલ ઈઝરાયલમાં છે, આ યુવક યુવતીઓ ત્યાં નર્સિંગ અને કેર-ટેકિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. જૂનાગઢ અને પોરબંદર વચ્ચે આવેલા માણાવદર તાલુકાના કોઠડિયા ગામનો મુળિયાસિયા પરિવાર ત્રીસ વર્ષ પહેલાં નોકરી-ધંધાની શોધ અર્થે ઈઝરાયલ પહોંચ્યો હતો. ઇઝરાયલની યહૂદી યુવાપેઢી મોટાભાગે વ્યવસાય અને કારકિર્દી માટે વિદેશ સ્થાયી થવાનું પસંદ કરે છે અને નિવૃત્તિ બાદ વતન પરત સ્થાયી થાય છે. તેથી આ યુવાનો માતા-પિતાની સારસંભાળ માટે કર-ટેકરને નોકરી પર રાખે છે. ઉપરાંત અહીંની હોસ્પિટલોમાં પણ નર્સિંગ સ્ટાફની અછત રહે છે. અહીંના લોકો મુખ્યત્વે વિદેશ જવા માટે આફ્રિકા, બ્રિટન અથવા દુબઇની પસંદગી કરતા હતા, પરંતુ હવે તેમના માટે ઇઝરાયલ નવા આકર્ષણ તરીકે ઉભુ થયું છે. ત્યાં સ્થાયી થયેલા ઘણાં લોકોની બીજી પેઢી પણ ત્યાં જ જન્મી અને ઉછરી રહી છે. યહૂદી યુવાપેઢી તેમનાથી દૂર આવેલા માતા-પિતાના સારસંભાળ માટે સારાં પૈસા ખર્ચે છે તેથી હાલ આ વિસ્તારના યુવાનોમાં ઇઝરાયલ જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ઘણાં યુવાનો હવે મેનપાર સપ્લાય કરતી કંપનીની જગ્યાએ તેમના ઇઝરાયલ સ્થાયી થયેલા પરિવારજનો દ્વારા અથવા આપમેળે વિઝા માટે અરજી કરી ઇઝરાયલ જઈ રહ્યા છે. ગુજરાતના અન્ય શહેરોમાં જેમ ફ્રેન્ચ, જર્મન કે ચાઈનીઝ ભાષાના ક્લાસ ચાલે છે તેમ પોરબંદરમાં હિબુ્ર શીખવાડવામાં આવે છે. ઇઝરાયલની સત્તાવાર ભાષા હિબુ્ર હોવાથી ત્યાં કામ કરવામાં સરળતા રહે તે માટે પોરબંદરમાં હિબુ્ર ભાષાનું કોચિંગ પણ કરાવવામાં આવે છે. જેમાં ઇઝરાયલ જવા માગતા ઘણાં યુવાનો આ ભાષા શીખીને ઇઝરાયલ જવાનું પસંદ કરે છે તેમજ જેમને વિઝા મંજૂરી હોય તેઓ પણ પૂર્વતૈયારૃપે અહીંથી હિબુ્ર શીખીને જાય છે.