ઇશરત જહાં કથિત ફેક એન્કાઉન્ટર કેસના આરોપી અને પૂર્વ આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુપ્ત રીતે તપાસ થઈ હોવાનો દાવો કર્યો છે. વણઝારાએ એવો પણ દાવો કર્યો હતો કે, મોદીની પૂછપરછનું કોઈપણ પ્રકારનું સાહિત્ય રેકોર્ડ પર મૂકવામાં આવ્યું નહોતું. તેમણે સીબીઆઇ કોર્ટમાં તેમની ડિસ્ચાર્જ અરજીના સંદર્ભમાં એવો આશ્ચર્યજનક દાવો કર્યો હતો કે, તે સાબિત કરે છે કે આ કેસનો સમગ્ર રેકોર્ડ ખોટો છે. વણઝારાએ કહ્યું કે, આઇપીએસ સતિષ વર્મા સહિતની તપાસનીશ ટીમ કોઈ પણ રીતે મોદી સુધી પહોંચીને તેમને આરોપી બનાવવા માગતી હતી.
આથી સમગ્ર ચાર્જશીટ ઊભી કરાયેલી અને ઉપજાવી કાઢેલી છે. જોકે સીબીઆઇ જજ જે. કે. પંડ્યાએ આ માન્ય રાખી શકાય તેવા પુરાવા નથી કહીને સીબીઆઇને પક્ષ રજૂ કરવા 28 માર્ચની સમયમર્યાદા આપી હતી. વણઝારાએ સીબીઆઇ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે, આ કેસના સહઆરોપી ડીજીપી પી. પી. પાંડેને 3 સપ્તાહ પહેલાં આરોપમુક્ત કરવામાં આવ્યા છે.