ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનાં લક્ષણ અંગે ઓબ્ઝર્વેશન રાખવા સૂચના, સ્ટાફને પ્રાણીઓથી દૂર રહેવા આદેશ

ગુરુવાર, 6 મે 2021 (13:16 IST)
હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે એશિયાઇ સિંહોનું ઘર એવા ગુજરાતમાં જંગલ વિસ્તાર અને ઝૂમાં રહેલા તમામ સિંહમાં કોરોના લક્ષણો અંગે ઓબ્ઝર્વેશન રાખવા જંગલના ટ્રેકર્સ અને ઝૂના કેર ટેકર્સને સૂચના આપવામાં આવી છે. ઝૂના વેટરનરી ડોક્ટર્સને પણ આ બાબતે સાવચેત રહેવા જણાવાયું છે.વન વિભાગના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટીકાદારે કહ્યું કે, હૈદરાબાદ ઝૂમાં સિંહ કોરોના સંક્રમિત થવાના બનાવ બાદ અમે વિશેષ તકેદારી રાખી રહ્યા છીએ.


કેન્દ્ર સરકાર દ્વારા પણ આ મામલે એડવાઇઝરી મોકલવામાં આવી છે. રાજ્યમાં જૂનાગઢ સક્કરબાગ, કેવડિયા સરદાર પાર્ક, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત 8 જેટલા મોટા ઝૂમાં સિંહ અને અન્ય પ્રાણીઓનું ઓબ્ઝર્વેશન કરવા તેમજ કેર ટેકર્સ અને સ્ટાફના આરટીપીસીઆર ટેસ્ટ કરવા જણાવવામાં આવ્યું છે. ટેસ્ટ રીપોર્ટ ન આવે ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ ઝૂમાં સેનિટાઇઝેશન માટે તાકીદ કરવામા આવી છે.જંગલ વિસ્તારમાં સંક્રમણની શક્યતા ઓછી હોય છે પરંતુ સિંહ રેવન્યુ વિસ્તારમાં પણ ફરતા હોવાથી વન વિભાગના ટ્રેકર્સને પણ સિંહની વર્તણૂંક, ખાંસી આવવી કે નાકમાંથી પાણી નીકળતું હોય, ખોરાક ન લેતા હોય તેવા કોઇ લક્ષણો જણાય તો તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના આપવામા આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર