જો તમે પણ ઈંસ્ટાગ્રામ વાપરતા હોય તો ચેતી જજો - તમારા નામ અને ફોટાનો કોઈ મિસયુઝ તો નથી કરી રહ્યુ ?

શનિવાર, 30 જાન્યુઆરી 2021 (14:45 IST)
એક ખાનગી ફિલ્મ મીડિયા પ્રોડક્શન હાઉસ ધરાવી ફિલ્મ પ્રોડ્યૂસર તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીના નામે અજાણી વ્યક્તિએ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી ફિલ્મ પ્રોડ્યુસર યુવતીના ફોટો અપલોડ કરી લોકો સાથે તે યુવતીના નામે વાતો કરી હતી. પ્રોડયુસર યુવતીના સર્કલમાં આરોપીએ રિકવેસ્ટ મોકલી યુવતીના નામે અનેક લોકો સાથે વાતચીત કરી હતી. સાયબર સેલમાં આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે.  
 
નવા વાડજમાં રહેતી 30 વર્ષીય યુવતી એક ફિલ્મ મીડિયા હાઉસ ધરાવી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. યુવતીએ સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ યુવતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોવાથી તેના કામકાજની અમુક વિગતો શેર કરવા જુદી-જુદી સોશિયલ મિડીયા સાઈટમાં એકાઉન્ટ ધરાવે છે. ગત સપ્ટેમ્બર માસમાં યુવતીને તેના મિત્ર એ  ફોન કરી જાણ કરી કે તેના નામના અન્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી છે. યુવતીએ આ અંગે તપાસ કરતાં કોઈ અન્ય વ્યક્તિએ તેના નામ અને ફોટોનો ઉપયોગ કરી ઈસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટો અપલોડ કર્યા હતા. આ વ્યક્તિ યુવતીના એકાઉન્ટને પણ ફોલો કરતો હતો. 
 
યુવતીએ મિત્ર વર્તુળમાં તપાસ કરતાં આ અજાણી વ્યક્તિએ તેના મિત્રો સાથે તેના નામે ચેટીંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર ઈસ્ટાગ્રામ સંપર્ક દ્વારા કામકાજ બાબતે વાતચીત થતી હોવાથી અજાણી વ્યક્તિએ તેના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી તેની છબીને નુક્સાન પહોંચાડતું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે યુવતીએ અમદાવાદ  સાયબર સેલમાં અરજી આપ્યા બાદ પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર