અમદાવાદમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો

બુધવાર, 31 જાન્યુઆરી 2024 (13:02 IST)
- લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો
- મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોગિંગ મશીનથી કામગીરી શરૂ 
- ચાલુ જાન્યુઆરી મહિનામાં ઝાડા-ઊલટીના 288 જ્યારે ટાઇફોઇડના 186 જેટલાં કેસો નોંધાયા 

અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો સામે વધુ કેસો નોંધાયા છે. શહેરમાં મચ્છીના ઉપદ્રવ વધવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોગિંગ મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, ચાલુ જાન્યુઆરી મહિનામાં ઝાડા-ઊલટીના 288 જ્યારે ટાઇફોઇડના 186 જેટલાં કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોનો વધારો થયો છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં ઘટાડો થયો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં લાંભા, વટવા, વસ્ત્રાલ અને અમરાઈવાડી વિસ્તારમાં કોલેરાના કેસો સામે આવ્યા છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગો વધ્યા છે. ત્યાં પાણીના સેમ્પલ લેવાની અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મચ્છી-મચ્છરનો ઉપદ્રવ શહેરમાં વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 જેટલા ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના 36 મેલેરિયાના 9 કેસ નોંધાયા છે. જ્યાં પણ પાણીજન્ય કેસ સામે આવે છે ત્યાં પાણીની લાઈનો તપાસ કરવાની અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન 3257 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 30 સેમ્પલ અનફિટ આવ્યા છે.ટ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર