સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરાવતાં સી.આર.પાટીલે કહ્યું, 'સુરતનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે,માગ્યા કરતા વધુ મળે છે'
સુરત ખાતે ભારતીય ડાક વિભાગના આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્રનો શુભારંભ કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે થયું હતું. સુરત મહિધરપુરા પોસ્ટઓફિસ ખાતેથી ફોરેન પોસ્ટ ઓફિસનું સંચાલન થશે. આ પોસ્ટ ઓફિસ સેવાનો પ્રારંભ થતાં જ ડાયમંડ, ટેક્ષટાઈલ, સિલ્ક જેવા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદરૂપ બનશે. ફોરેન પોસ્ટ ઓફિસના ઉદઘાટન પ્રસંગે સરસાણા પ્લેટીનમ હોલ ખાતે યોજાયેલા સમારોહમાં નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, 'હાલ સુરતનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. માગ્યા કરતાં પણ વધુ અને ઝડપથી મળે છે.'
ઉદ્યોગોને મદદ મળશે
સુરતીઓના લોહીમાં વેપાર વણાયેલો છે. સદીઓથી સુરતના દરિયાકિનારે દેશ-વિદેશના વેપારીઓના વાવટાઓ ફરકતા હતા. ડાયમંડ, ટેક્ષટાઈલ, સિલ્ક જેવા ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય સ્તરે સંકળાયેલા છે. પોસ્ટ વિભાગના અધિકારીઓએ ટૂંકા સમયગાળામાં અનેકવિભાગો સાથે સંકલન કરીને જે ઈન્ટરનેશનલ બિઝનેશ સેન્ટર શરૂ કર્યું છે. સુરતના ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને કસ્ટમ વિભાગમાં જે પ્રકારે સમય ગૂમાવવો પડતો હતો તેના કરતાં ખૂબ જ સરળતાથી હવે કામ આગળ વધી શકશે. જેનાથી બન્ને ઉદ્યોગને ખૂબ જ લાભ થશે.
મોદી દિલ્હી ગયા ત્યારથી વિકાસ ઝડપી બન્યો-પાટીલ
ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે જણાવ્યું કે, સુરતનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. સુરત જે માગે છે તેના કરતાં પણ વધુ તેને મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી દિલ્હીમાં ગયા છે ત્યારથી તેઓ વિશેષ કરીને ગુજરાતના ઝડપી વિકાસ માટે ખૂબ જ ઝડપથી નિર્ણય લઈને કામ કરી રહ્યા છે.ને તેમાં પણ વિશેષ કરીને સુરત શહેરની તમામ માગણીઓ પૂર્ણ થઇ રહી છે. સુરત શહેર એ કલ્પના કરી છે તેના કરતાં પણ વધારે મળી રહ્યું છે.
સુરતીઓએ ઉદારતા દાખવી
દેવુસિંહ ચૌહાણ જણાવ્યું કે, સરકારની કોઈપણ યોજનામાં સમાજે પણ ભાગીદારી કરવી પડશે. તેનું ઉદાહરણ સુરતના દરિયાદિલ દાતાઓએ પુરૂ પાડયું છે. સુકન્યા સમૃધ્ધિ યોજના થકી દીકરીઓના ખાતાઓ ખોલવાની ઉદાર ભાવના સુરતવાસીઓએ દર્શાવી છે. સમગ્ર ભારતમાં સુકન્યા સમૃધ્ધિ યોજનાના 2.25 કરોડ ખાતાઓ તથા ગુજરાતમાં 8 લાખ જેટલા દીકરીઓના ખાતાઓ ખુલ્યા હોવાનું મંત્રીએ કહ્યું હતું