મહીસાગર જિલ્લામાં પ્રાથમિક શાળાના 3 શિક્ષકો હાથમાં દારૂની બોટલો લઈને નશામાં નાચ્યા

મંગળવાર, 28 જૂન 2022 (12:57 IST)
મહીસાગર જિલ્લામાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થવો એ કોઈ નવી વાત નથી. મહીસાગર જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં દારૂની બોટલો સાથે બીજો વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જોવા મળી હતી. થોડા દિવસો પહેલાં બાકોર નજીક રિસોર્ટમાં ભાજપના નેતાઓ દ્વારા ડિસ્કો સાથે દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થયો હતો, જેની આજદિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, ત્યારે એ વાતને 7 દિવસ બાદ વીરપુર તાલુકાના લીંબરવાળા સીટના અને લીંબરવાળા ગામના વતની એવા કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યના પતિ સહિત અન્ય ત્રણ શિક્ષકનો દારૂની બોટલો સાથેનો વીડિયો વાઇરલ થતાં જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

કારમાં ચાર જણામાંથી એકના હાથમાં દારૂની બોટલ લઇને ગીત પર ડાન્સ કરતાં વાઇરલ વીડિયોમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ જોવા મળ્યા હતા. શિક્ષણજગતને કલંક લાગડતો વીડિયો વાઇરલ થતાં લોકોમાં અનેક ચર્ચા ચાલી હતી તેમજ ગુરુજનોના કૃત્ય સામે રોષ વરસાવ્યો હતો. 7 દિવસમાં દારૂની બોટલો સાથેનો વીડિયો વાઇરલ થતાં કોંગ્રેસ અને ભાજપમાં રાજકારણ ગરમાયું હતું, ત્યારે આવી ઘટનાઓને લઈ અધિકારીઓ નેતાઓની કઠપૂતળીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે વાઇરલ વીડિયોમાં શિક્ષકો હોવાથી મહીસાગર શિક્ષણ વિભાગ સફાળો જાગીને ઘટનાની તપાસના હુકમો કરી દીધા હતા.મહીસાગર ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી આર. એચ. બારિયાએ જણાવ્યું હતું કે વાઈરલ વીડિયો બાબતે વીરપુર તાલુકા TPOઓને તપાસ સોંપવામાં આવી છે. અહેવાલ આવ્યા બાદ આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર