ગુજરાતમાં પતંગની દોરીથી ઈજા થવાના 36 બનાવો બન્યાં, અમદાવાદમાં જ 12 લોકો દોરીથી ઘાયલ થયાં

શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (12:00 IST)
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 36 જેટલા બનાવો બની ચૂક્યા છે. અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિના ગળામાં ઇજાગ્રસ્ત થયા છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. 
 
ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી
તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સવારે 9 વાગ્યા સુધીમાં 691 જેટલા કોલ મળ્યા છે. જેમાં 8 બનાવ ગળામાં દોરી વાગવાના, 28 બનાવ નીચે પડવાના બન્યા છે. જેમાં તમામમાં તેઓને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડને પક્ષી બચાવ કોલના સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર બે કોલ મળ્યા છે. જેના પરથી કહી શકાય કે સવારથી ઓછી પતંગ ઉડવાના કારણે પક્ષીઓના ઇજા થવાના બનાવો ઓછા જોવા મળ્યા છે.
 
લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે
ઉત્તરાયણને લઈને લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે.પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. 2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર