બોરસદના વહેરા ગામે પેસેન્જર ભરેલી બસ રહેણાંક મકાનમાં ઘુસતા અફરાતફરી મચી, પોલીસે ડ્રાઈવરને ઝડપી લીધો

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (15:56 IST)
આણંદના બોરસદ તાલુકાના એક ગામમાં ખાનગી બસ ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી વહેલી પરોઢે એક સોસાયટીના ઘરમાં ઘુસેડી દીધી હતી. જેથી ભારે અફળાતાફડી મચી ગઈ હતી. પેસેન્જર ભરેલી ખાનગી બસ મકાનમાં ઘુસી ગઈ હતી. જોકે, સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોતી. આ ઘટનાને લઈ આસપાસના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડ્રાઈવરને ઝડપી લીધો હતો.

હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ રોડ ઉપર આવેલા વહેરા ગામની સંસ્કાર સોસાયટીમાં વહેલી પરોઢે તમામ લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક મેહુલ ઈશ્વરભાઈ પટેલના ઘરમાં એક ખાનગી લકઝરી બસ ઘુસી ગઈ હતી. 35 થી વધું પેસેન્જરને લઈને મુંબઈ થી ભાવનગર જતી આ બસ અચાનક ઘરમાં ઘુસી જતા રહેણાંક વિસ્તારના નાગરિકો અને પેસેન્જરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. તેને લઈ ડ્રાઈવર અને ગાડી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

સ્થાનિકોના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને મુંબઈ થી સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ખાનગી બસો ડાભાસી ખાતે આવેલા ટોલનાકાની રકમ બચાવવા આવી રીતે અંતરિયાળ ગામમાંથી પેસેન્જરોનો જીવ જોખમમાં મૂકી પસાર થાય છે. ડભાસી ટોલ નાકે રકમ ભરવી ન પડે તે માટે વહેરા, કાવીઠા ગામ થઈ પેટલાડના માણેજ તરફ નીકળે છે.અન્ય એક સ્થાનિકે ગંભીર બાબત તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે, આ ખાનગી બસ જો આ ઘરમાં ન ઘુસાડી હોત તો ત્યાં નજીક જ આવેલી ઈલેક્ટ્રિક ડીપીમાં પટકાઈ હોત અને મોટી દુર્ધટના સર્જાઈ હોત. ટોલની રકમ બચાવવા અથવા અન્ય કારણોસર આ રીતે બસ ચલાવનારા બસ સંચાલકો અને ડ્રાઈવરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ સ્થાનિકોમાં ઉઠી છે. મહત્વનું છે કે, બોરસદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર