હતો.સાવધાન...સાવધાન...સાવધાન...ભાજપના રાજમાં મોરબી કાંડ જેવો કાંડ થાય તો નવાઈ નહીં તેવા સૂત્રો લખેલા બેનરો શહેરના વિવિધ ચાર રસ્તા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠની બહાર લગાવવામાં આવ્યા છે. હાટકેશ્વર બ્રિજ બનાવવાના સમયથી જ બેદરકારી દાખવવામાં આવી હોવાનું રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જ ઘટસ્ફોટ થયો છે. ત્યારે હવે બ્રિજ મામલે ભાજપના સત્તાધીશો અને વહીવટી તંત્ર અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, તેવા ગાણા ગાઈ રહ્યા છે.
અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતાં બ્રિજને પાંચ વર્ષમાં રિપેરિંગ કરવો પડ્યો છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગુરુવારે ભાજપના સત્તાધીશો સમક્ષ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવા અને જે તે જવાબદારો સામે પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા કિરીટ પરમારને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે, હાટકેશ્વર બ્રિજ મામલે ત્રણ ખાનગી લેબોરેટરીઓના પણ રિપોર્ટ આવી ગયા છે, છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તે અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઇકોર્ટમાં આ મામલે રીટ દાખલ કરવામાં આવશે.
વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર કિરીટ પરમારને હાટકેશ્વર બ્રિજ જેમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુણવત્તાનું મટીરીયલ ન વાપરીને જ બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી રહ્યા હતા. વિપક્ષના નેતા અને કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ મેયર કિરીટ પરમાર બ્રિજ મામલે એકપણ શબ્દ બોલ્યાં ન હતા. ઉગ્ર રજૂઆત બાદ મેયરે પત્રકારોને જણાવ્યું હતું કે, બ્રિજ મામલે અલગ અલગ લેબોરેટરીઓ પાસે રિપોર્ટ કરાવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ. જે પણ નિર્ણય લેવાનો હશે તે કમિશનર સહિતના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ સાથે બેસી નિર્ણય લેશે.