અમદાવાદમાં બે દિવસમાં કોરોના સંક્રમિત થયેલા 30માંથી 70 ટકા લોકો રાજ્ય બહાર ફરીને આવ્યા હતા

શનિવાર, 13 નવેમ્બર 2021 (10:19 IST)
બુધવાર અને ગુરુવારના બે દિવસમાં કોરોનાના 30 કેસ નોંધાતા મ્યુનિ.એ સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા જાણવા મળ્યું હતું કે, જે લોકોને ચેપ લાગ્યો છે તેમાંથી 70થી 80 ટકા ગોવા, સિક્કિમ, જયપુર સહિતના શહેરોમાં ફરીને આવ્યા હતા. બીજી તરફ શુક્રવારે કોરોનાના માત્ર બે નવા કેસ નોંધાતા રાહત થઈ છે. જોકે ગુરુવારે ઇસનપુરના એક રહેણાંક વિસ્તાર પછી શુક્રવારે મોટેરામાં આવેલા સંપાદ રેસિડેન્સીના સી-બ્લોકને કન્ટેઇનમેન્ટમાં મુકવાનો મ્યુનિ. આરોગ્ય વિભાગે નિર્ણય લેવા પડ્યો છે.

શહેરમાં દિવાળી બાદ અચાનક 10 અને 11 નવેમ્બરે કોરોનાના અનુક્રમે 16 અને 14 કેસ નોંધાયા હતા. લાંબા સમય પછી કેસ ડબલ ડિજિટમાં આવતા મ્યુનિ. આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને સંક્રમિતોની હિસ્ટ્રી તપાસવામાં આવી હતી. આ 30 સંક્રમિત લોકોની તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, આમાંથી 70 ટકા લોકો એવા હતાં જેઓ રાજ્ય બહાર ફરવા ગયા હતા અને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ગુરુવારે કોરોના પોઝિટિવ આવેલા 14 દર્દીમાંથી એક જ પરિવારના 6 લોકો રાજસ્થાનના જયપુરથી ફરીને પરત આવ્યા હતા. આ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મ્યુનિ. આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું શરૂ કરી દીધું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર