મેં મારી બહેનપણી સાથે મૈત્રીકરાર કરી લીધો છે, તેની સાથે જ રહીશ: પાલનપુરમાં યુવતી જીદે ચઢી

ગુરુવાર, 25 નવેમ્બર 2021 (09:56 IST)
પાલનપુરની એક યુવતીને તેની સ્ત્રીમિત્ર સાથે લાગણી થઈ જતા લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. અને તેની સાથે જ રહેવાનું મનોમન નક્કી કરી લીધું હતું. પરિવારજનોએ કોઈ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરતા તેણી આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ છેલ્લે બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી જેમાં ટીમે તેને સમજાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. બનાસકાંઠા 181 અભયમ ના કાઉન્સિલર લક્ષ્મીબેનએ જણાવ્યું કે, શહેરના એક વિસ્તારમાં રહેતી એક યુવતી ઉમરલાયક થતા તેણીના પરિવારજનોએ લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ આ યુવતી પરિવારજનોની વાત સાંભળતી ન હતી. આથી ચિંતામાં મુકાયેલા તેના ભાઇ તેમજ પિતાએ ખાનગીમાં પૂછતા યુવતીનો જવાબ સાંભળી તેઓ ખૂબ જ અવઢવમાં મુકાઇ ગયા હતા.

યુવતીએ એવું કહ્યું હતું કે, હું લગ્ન કરવા માગતી નથી. મારે એક સ્ત્રી મિત્ર છે તેની સાથે મૈત્રી કરાર છે. એની સાથે જ રહેવા માંગુ છું. લગ્ન કરવાનું દબાણ કરાશે તો આપઘાત કરતા પણ અચકાઈશ નહિ. ભાઈ અને પિતાએ તેને બહુ સમજાવી બીજા સમાજના યુવક સાથે પણ જો ઈચ્છે તો લગ્ન કરાવીશું. પરંતુ સ્ત્રી સાથે રહેવું યોગ્ય નથી તેવું દબાણ કરતાં યુવતીએ આપઘાત કરી લેવાની ઈચ્છા કરી હતી. યુવતીએ 181 અભયમની ટીમની મદદ લીધી હતી. મહિલા પોલીસ શિલ્પાબેન સાથે યુવતીના ઘરે ગયા હતા. જ્યાં અમે પણ તેને બે સ્ત્રીઓ વચ્ચે આવી રીતે કેવી રીતે સંબંધ રહે. યુવતીએ લગ્ન કરવાની ધરાર ના પાડી હતી. તેમજ હવે પછી પરિવાર સાથે પણ નથી રહેવું તેમ જણાવતા આખરે સુરક્ષિત સ્થળે ખસેડી હતી. પાલનપુર સિટીલાઇટ વિસ્તારમાં રહેતી યુવતીની ઉંમર 24 વર્ષ છે. તેના પરિવારમાં માતાનું નિધન થયું છે. અત્યારે તેના પિતા અને ભાઈ ભાભી સાથે રહે છે. તેણીએ સાત મહિના અગાઉ અન્ય જિલ્લામાં નોકરી કરતી મહિલા સાથે મૈત્રી કરાર કર્યા છે. પાલનપુર 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં બે મહિલાઓ વચ્ચે પ્રેમ હોવાનો અગાઉ પણ કેસ નોંધાયો હતો. જેમાં દાંતીવાડા અને શિહોરીની બે મહિલાએ સાથે રહેવા માટે કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. તેમને નારી સંરક્ષણ ગૃહમાં મુકી હતી. જે બંને અત્યારે સાથે રહી ખાનગી નોકરી પણ કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર