અમદાવાદમાં વહેલી સવારે આઈ-20 કાર શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ,નવરાત્રીમાં એક સપ્તાહમાં ત્રણ ગંભીર અકસ્માત

શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (15:07 IST)
I-20 car crashes into Shivaranj's BRTS

છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં થયેલા અકસ્માતમાં એક મહિલાના મોત સહિત બે યુવાનો ઘાયલ થયાં છે
 
 
અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓમાં સખત વધારો થયો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગંભીર અકસ્માતો થયાં છે. જેમાં એક મહિલાના મોત સહિત બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જ્યારે આજે શહેરમાં વહેલી સવારે ફૂલ સ્પીડમાં જતી આઈ-20 કાર શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. જેમાં ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
  
હાંસોલમાં કારે મહિલાને ટક્કર મારતા મોત નીપજ્યું
ગુરુવારે રાત્રે એરપોર્ટ પાસે આવેલા હાંસોલ રોડ પર પૂરપાટ ઝડપે આવતી એક કારચાલકે એક મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલા 15 ફૂટથી વધારે અંતર સુધી હવામાં ફંગોળાઈ હતી. ત્યારબાદ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. મહિલાને ઉછાળીને કાર સામે આવતી એક કાર અને સ્કૂટરને પણ અડફેટે લીધા હતા.
 
વિરમગામ-સાણંદ હાઈવે પર રીક્ષા અને હોન્ડા સીટી ગાડી વચ્ચે અકસ્માત
ગુરુવારે રાત્રે વિરમગામ-સાણંદ હાઈવે પર સોકલી નર્મદા કેનાલ પાસે રીક્ષા અને રોંગ સાઈડમાંથી આવી રહેલ હોન્ડા સીટી ગાડી વચ્ચે અકસ્માત થયેલ જે અકસ્માત ને લઈને 15 મિનિટ પછી ફરી અકસ્માત ગ્રસ્ત રીક્ષા,એક અન્ય રીક્ષા,વેગેનાર ગાડી અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં 10 થી વધુ લોકોને નાની-મોટી ઇજા થઇ હતી જ્યારે એક વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
 
બાઇકસવાર મિત્રને બેકાબૂ કારે અડફેટે લીધા
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NFD સર્કલ પાસે કાર લઈને નીકળેલી યુવતીએ બાઇકસવારોને ઉડાવ્યા હતા.નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતા મૂળ પોરબંદર ભવ્ય રાયચૂરા અમદાવાદમાં સીએનો અભ્યાસ કરે છે. ભવ્ય અહીં પીજીમાં રહેતો હોવાથી તેના મિત્ર અભિજિત અન્ય મિત્રો સાથે સિંધુ ભવન ખાતે અર્બન ચોક પાસે ગરબા જોવા માટે ગયા હતા. રાતના 12.30 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન ભવ્ય બુલેટ ચલાવતો હતો, તેની પાછળ તેનો મિત્ર બેઠો હતો. તેઓ બાઇક પર ગુરુદ્વારાથી NFD સર્કલ સંજીવની હોસ્પિટલના રોડ પર હતા. આ સમયે સર્કલ પર જજીસ બંગલો તરફથી ફુલ સ્પીડે આવતી કારે ભવ્યની બાઇક સાથે અકસ્માત કર્યો હતો. 
 
અમદાવાદથી નડિયાદ જતી એસટી બસ નીચે એક્ટિવાચાલક કચડાયો
એક સપ્તાહ પહેલાં શહેરમાં મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી નડિયાદ જતી ST બસ નીચે એક્ટિવાચાલક કચડાયો છે. એક્ટિવા આખું બસની નીચે આવી જતાં લોકોએ ભેગા થઈને એક્ટિવાચાલકને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. બાદમાં 108 બોલાવીને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર